અમદાવાદ શહેરમાં વિદેશ મોકલવાના બહાને નિર્દોષ નાગરિકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. શહેરની 'કેપિટલ ઓવરસીઝ' નામની કન્સલ્ટન્સી એજન્સી દ્વારા ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાની લાલચ આપીને નિર્દોષ લોકો પાસેથી કુલ રૂ.70.55 લાખની માતબર રકમ પડાવી લેવામાં આવી છે. વિદેશ જઈને રોજગારી મેળવવાનું સ્વપ્ન સેવતા અરજદારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ વિઝા ન આપીને તેમની સાથે મોટો વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો.
'કેપિટલ ઓવરસીઝ'ના 4 સંચાલકો સામે ગુનો દાખલ
આ સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા 'કેપિટલ ઓવરસિસ'ના મુખ્ય સંચાલકો વૈભવ પ્રજાપતિ, અખિલ ચાતુર, ઓઈસઅલી હસનવાલા અને અહેમદ અફલાક વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધવામાં આવી છે. આ આરોપીઓએ ન્યૂઝીલેન્ડમાં આકર્ષક નોકરી અને વર્ક પરમિટ વિઝા અપાવવાની ખોટી ખાતરીઓ આપીને અરજદારો પાસેથી તબક્કાવાર લાખો રૂપિયા મેળવી લીધા હતા. સમયમર્યાદા પૂરી થયા બાદ પણ વિઝા ન મળતા અને નાણાં પરત આપવામાં બહાનાબાજી કરતા ભોગ બનનારાઓએ આખરે કાનૂની રસ્તો અપનાવ્યો હતો.
