બનાસકાંઠા કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસ વચ્ચેનો કકળાટ હવે ફરી સપાટી પર આવ્યો છે.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સોશિયલ મીડિયા પર સૂચક પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.ગુલાબસિંહે પોસ્ટમાં લખ્યું કે, તમારી લડાઈ અમારી સાથે નહીં પરંતુ લોકોના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને લઈને ભાજપની સરકાર સામે હોવી જોઈએ.ગુલાબસિંહ રાજપૂતે પક્ષમાં જ કેટલાક લોકો દ્વારા ભાજપ સાથે મળીને સોદાબાજી કરવામાં આવતી હોવાનો અને ગેનીબેન ઠાકોર સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા હોવાથી તેમને નુકસાન પહોંચાડવા માટે આંતરિક ષડયંત્ર રચાઈ રહ્યા હોવાનો ગંભીર ધડાકો કરતા આગામી સમયમાં પક્ષને નુકસાન પહોંચાડનારા તત્વોના નામ સાથેના મોટા ખુલાસા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

કોંગ્રેસના કકળાટમાં ભાજપની પ્રતિક્રિયા

કોંગ્રેસમાં આંતરિક કકળાટ અને રાજકીય ઘમસાણ મુદ્દે પ્રતિક્રિયા આપતા મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે આ વિવાદ માત્ર બનાસકાંઠા પૂરતો મર્યાદિત નથી, પરંતુ આખા રાજ્યમાં કોંગ્રેસની આવી જ સ્થિતિ ચાલી રહી છે.કોંગ્રેસ પાસે ન તો કોઈ મજબૂત નેતા છે કે ન તો યોગ્ય નેતૃત્વ છે.જે પક્ષ પોતાના પરિવારને પણ સાચવી શકતો નથી તે આખા રાજ્યને સાચવવાની મોટી મોટી વાતો કરે છે. કોંગ્રેસ પાસે હવે જનતા વચ્ચે જવા માટે કોઈ મુદ્દો જ બચ્યો નથી જેના કારણે પક્ષમાં આ પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે.ભાજપના પ્રવક્તા ડૉ.અનિલ પટેલે જણાવ્યું છે કે કોંગ્રેસમાં સ્થાપનાકાળથી જ અંદરોઅંદર ખેંચતાણ ચાલી રહી છે અને તે પરિવાર આધારિત પાર્ટી હોવાથી આવા બનાવો સાવ સ્વાભાવિક છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાનું નિવેદન

બનાસકાંઠા કોંગ્રેસ વિવાદ અંગે ભાજપ દ્વારા કરવામાં આવેલા પ્રહારો સામેલ પલટવાર કરતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે સંગઠનમાં વાતચીતના અભાવે પ્રશ્નો ઊભા થયા છે અને પ્રદેશ સમિતિ કાર્યકરોને સ્થાન આપવાનો પ્રયાસ કરતી હોય છે, જ્યારે ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યો છે કારણ કે ભરૂચમાં ખુદ તેમના સાંસદ જ પાર્ટી સામે સવાલો ઉભા કરે છે અને રાજકોટમાં જયેશ રાદડિયા તથા પૂર્વ મંત્રી વચ્ચેની ખેંચાણ જગજાહેર છે. ભાજપે કોંગ્રેસને સલાહ આપવાના બદલે પોતાના અંદર પહેલા નજર કરવી જોઈએ,કારણ કે ભાજપમાં નવા-જૂના વચ્ચે હરિફાઈ ચાલે છે અને જનતા બધું જ જોઈ રહી છે કે કોને કેવી રીતે આશીર્વાદ આપવા તે આખરે જનતા જ નક્કી કરશે.

ગુલાબસિંહ અને ગેનીબેન સામે આક્ષેપ

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ મુકેશ ચૌહાણે જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત તેમજ સાંસદ ગેનીબેન ઠાકોર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.મુકેશ ચૌહાણે આક્ષેપ કર્યો છે કે ગુલાબસિંહ રાજપૂતને જિલ્લા પ્રમુખ બન્યાને એક વર્ષ થયું હોવા છતાં સંગઠન વિના જ તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં પાર્ટીને નુકસાન થયું હતું અને સિનિયર આગેવાનોને ટાળીને માત્ર રબર સ્ટેમ્પ તથા વ્હાલા દવાલાની નીતિ અપનાવીને નિયુક્તિઓ કરાઈ હોવાને કારણે જિલ્લામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.લોકસભાની ચૂંટણીમાં સમગ્ર બનાસકાંઠા અને વાવ-થરાદની જનતાએ ગેનીબેનને જીતાડ્યા છે, પરંતુ જો તેઓ પોતાના કહ્યાગરા લોકોને જ લઈને ચાલશે તો પાર્ટી કેવી રીતે આગળ વધશે?ગેનીબેન આ મામલે પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં અને આ રાજીનામાં અપાવીને પાર્ટી પર પ્રેશર બનાવવાનો ખેલ ચાલી રહ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં આજે પણ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘરાજા વિરામ લેશે?