અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલ નજીકથી જાણીતી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની ઘટના ગતરોજ બની હતી. બપોરના સમયે બ્લેક કલરની ગાડીમાં આવેલા કેટલાક અજાણ્યા શખ્સો ગાયિકા કિંજલ રબારીને ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હોવાનો મેસેજ વહેતો થયો હતો. ત્યાર બાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. આ સમગ્ર હાઈવોલ્ટેજ ડ્રામામાં ગાયિકા કિંજલનો એક વીડિયો પણ સામે આવ્યો હતો. જેમાં તેણે ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતાં. તેણે કહ્યું હતું કે, અપહરણ કરી તેને ગોંધી રાખવામાં આવી હતી.
કિંજલ રબારીના વકીલનું નિવેદન
આ કેસમાં હવે કિંજલ રબારીના વકીલ હીનાબેન ઠક્કરે પ્રતિક્રિયા આપતાં અપહરણના દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. વકીલના જણાવ્યા અનુસાર, કિંજલનું કોઈ અપહરણ થયું નથી પરંતુ તેણે પોતે જ અશોક ચૌધરીને ફોન કરીને બોલાવ્યો હતો અને સ્વેચ્છાએ કારનો દરવાજો ખોલીને તેની સાથે ગઈ હતી. વધુમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કિંજલ અને અશોક ચૌધરીના લગ્ન કાયદેસર રીતે થયેલા છે. જ્યારે આ લગ્ન અંગેનો કેસ રાધનપુરની નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે. વકીલે ઉમેર્યું હતું કે રબારી સમાજના યુવક સાથે કિંજલના કરાવાયેલા લગ્ન ગેરકાયદેસર છે અને આ સમગ્ર સત્ય હકીકત અંગે કિંજલે પોતે અમદાવાદ પોલીસ કમિશનરને પત્ર લખીને લેખિતમાં જાણ કરી દીધી છે.
