વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓક્ટોબરે વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ખાતે બનાસ ડેરીના વિસ્તૃત ફ્રેન્ચ ફ્રાઇઝ પ્રોસેસિંગ પ્લાન્ટનું ઈ-લોકાર્પણ કરશે. બનાસ ડેરીએ એપ્રિલ 2026માં ફ્રેન્ચ ફ્રાઇઝના ઉત્પાદન અને પેકિંગ લાઇનની ક્ષમતા વધારવાની કામગીરી શરૂ કરી હતી. ₹51.65 કરોડના રોકાણથી હવે પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાક 2 ટનથી વધારીને 5 ટન થશે. આ વિસ્તરણથી બટાકાના પ્રોસેસિંગને વેગ મળવાની સાથે સ્થાનિક બટાકા ઉત્પાદકોને વધુ સારા ભાવ અને બજારની નવી તકો મળી શકશે. 

બનાસકાંઠામાં બટાકાનું પ્રોસેસિંગ વેગવાન બનશે

બનાસકાંઠા બટાકાના ઉત્પાદનમાં અગ્રણી જિલ્લો છે. છેલ્લા 25 વર્ષમાં પ્રોસેસિંગ-ગ્રેડ બટાકાની ખેતી હેઠળનો વિસ્તાર આશરે 400 હેક્ટરથી વધીને 61,016 હેક્ટર થયો છે. વર્ષ 2024-25માં જિલ્લામાં આશરે 18.7 લાખ ટન બટાકાનું ઉત્પાદન થયું હતું, જ્યારે પ્રતિ હેક્ટર ઉત્પાદકતા આશરે 30 ટન રહી હતી. ફળદ્રુપ જમીન, અનુકૂળ આબોહવા અને અદ્યતન ખેતી પ્રણાલીના કારણે ચિપ-ગ્રેડ અને ફ્રેન્ચ ફ્રાઈ-ગ્રેડ બટાટાના ઉત્પાદન માટે આ ક્ષેત્ર આદર્શ ગણાય છે. આ ઉપરાંત, બટાકાના પ્રોસેસિંગ દરમિયાન નીકળતા જૈવિક કચરાનો ઉપયોગ બાયોગેસના ઉત્પાદન માટે કરવામાં આવે છે, જ્યારે બાકી રહેતા અવશેષનો ખેતી માટે પુનઃઉપયોગ થાય છે. 

બિયારણથી ફ્રેન્ચ ફ્રાઇઝ સુધીની સંકલિત વ્યવસ્થા

બનાસ ડેરીએ વર્ષ 2019માં અમૂલ બ્રાન્ડ હેઠળ ફ્રેન્ચ ફ્રાઇઝ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી ડેરીએ ગુણવત્તાયુક્ત બિયારણ તૈયાર કરવા, બટાકાની ખેતી, ખરીદી અને પ્રોસેસિંગને એકબીજા સાથે જોડતી ‘સીડ-ટુ-ફ્રાય’ વ્યવસ્થા વિકસાવી છે. આ પ્રક્રિયા સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને અન્ય સંસ્થાઓ પાસેથી મેળવેલા રોગમુક્ત જર્મપ્લાઝમથી શરૂ થાય છે. તેને બનાસ ડેરીની ટિશ્યૂ કલ્ચર લેબોરેટરીમાં વિકસાવવામાં આવે છે અને ત્યારબાદ કાનપુર ખાતેની એરોપોનિક સુવિધામાં G0 મિનિટ્યુબર્સમાં વિકસાવવામાં આવે છે. ત્યારબાદ આ મિનિટ્યુબર્સને ખેતરમાં G3 સ્તર સુધી વિકસાવવામાં આવે છે, જેથી ખેડૂતોને પ્રમાણિત બિયારણ ઉપલબ્ધ થાય અને પ્રોસેસિંગ માટે યોગ્ય ગુણવત્તાના બટાકાનું ઉત્પાદન થઈ શકે.ખેડૂતોને બિયારણ આપતી વખતે જ બટાકાની ખરીદીનો ભાવ અગાઉથી નક્કી કરવામાં આવે છે. વર્ષ 2023-24માં બનાસ ડેરીએ બટાકાના ખેડૂતોને ભાવના તફાવત પેટે આશરે ₹1.83 કરોડ ચૂકવ્યા હતા. વર્ષ 2024-25 માટે બાયબેક ભાવ પ્રતિ યુનિટ ₹13 અને વર્ષ 2025-26 માટે પ્રતિ યુનિટ ₹14 હતો.

10,000 ટનની ક્ષમતાવાળા કોલ્ડ સ્ટોરેજથી સપ્લાય ચેઇનને મજબૂતી

બટાકાની વેલ્યુ ચેઇનને મજબૂત બનાવવા માટે બનાસ ડેરીએ વર્ષ 2024માં 10,000 ટનની કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી વિકસાવી હતી. આ ઉપરાંત, નવેમ્બર 2025માં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL) સાથે સમજૂતી કરાર (MoU) કરીને દેશભરના ખેડૂતો સુધી પ્રમાણિત બિયારણ પહોંચાડવાની દિશામાં પણ પહેલ કરી હતી.

સણાદર ખાતે પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણથી બટાકા ઉત્પાદકોને બજારમાં નવી તકો મળશે

વર્ષ 2025-26માં ભારતમાંથી આશરે 2.77 લાખ ટન મૂલ્યવર્ધિત બટાકા ઉત્પાદનોની નિકાસ થઈ હતી, જેનું મૂલ્ય આશરે ₹2,744.50 કરોડ હતું. સણાદર ખાતે ફ્રેન્ચ ફ્રાઇઝ પ્રોસેસિંગ પ્લાન્ટના વિસ્તરણથી બટાકાના મૂલ્યવર્ધનને વેગ મળશે. ગુણવત્તાયુક્ત બિયારણ, ખેડૂતો પાસેથી સુવ્યવસ્થિત ખરીદી, સંગ્રહ સુવિધા અને વધેલી પ્રોસેસિંગ ક્ષમતાના સમન્વયથી બનાસકાંઠાના બટાકા ઉત્પાદકો માટે બજારની નવી તકો ઊભી થશે અને પ્રદેશમાં કૃષિ આધારિત ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન મળશે.

4,300થી વધુ ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે બનાસકાંઠાથી રૂ. 750 કરોડના ખર્ચે 4,300થી વધુ ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી ગુજરાતનાં બાળકોના સર્વાંગી વિકાસ, માતૃસ્વાસ્થ્ય અને કિશોરીઓના પોષણને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે, 30 ઑક્ટોબરના રોજ બનાસકાંઠાની ધરતી પરથી એક રાજ્યવ્યાપી મહત્ત્વની પહેલ અંતર્ગત ગુજરાતમાં આશરે 750 કરોડ રૂપિયાના ખર્ચે 4,300 થી વધુ ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તે અંતર્ગત 4,000થી વધુ નવા આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જ્યારે 300થી વધુ પૂર્ણ થયેલાં આધુનિક આંગણવાડી કેન્દ્રો લોકાર્પિત કરવામાં આવશે. નવા ચાઇલ્ડ-ફ્રેન્ડ્લી આંગણવાડી કેન્દ્રો દ્વારા આશરે ચાર લાખ લાભાર્થીઓને સીધો લાભ મળવાનો અંદાજ છે, જેમાં આશરે ત્રણ લાખ બાળકો, 80 હજાર કિશોરીઓ તથા 35 હજાર સગર્ભા અને ધાત્રી માતાઓનો સમાવેશ થાય છે.

53 હજારથી વધુ આંગણવાડીઓ દ્વારા 51 લાખથી વધુ લાભાર્થીઓને સેવાઓ

ગુજરાતના તમામ 34 જિલ્લાઓ અને 17 મહાનગરપાલિકા વિસ્તારોમાં 53 હજારથી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) અંતર્ગત આ કેન્દ્રો દ્વારા 51 લાખથી વધુ લાભાર્થીઓ સુધી વિવિધ સેવાઓ પહોંચાડવામાં આવે છે. તેમાં છ વર્ષ સુધીનાં બાળકો, કિશોરીઓ, સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં ત્રણથી છ વર્ષનાં 16 લાખથી વધુ બાળકો આંગણવાડીઓમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યાં છે. તેમને પૌષ્ટિક નાસ્તા ઉપરાંત બપોરે ગરમ ભોજન પણ આપવામાં આવે છે. આંગણવાડીઓ બાળકોના પ્રારંભિક શિક્ષણ, પોષણ અને સર્વાંગી વિકાસનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની રહી છે.

નવા ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોની વિશેષતા

નવા ચાઇલ્ડ-ફ્રેન્ડલી આંગણવાડી કેન્દ્રોની વિશેષતા એ છે કે તેમાં બાળકોને અનુકૂળ વાતાવરણ સાથે સ્વચ્છતા, શુદ્ધ પીવાનું પાણી, વીજળી, બાળમૈત્રીપૂર્ણ ફર્નિચર અને ડિજિટલ શિક્ષણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. દિવ્યાંગ બાળકો માટે રેમ્પ અને હેન્ડરેલની વ્યવસ્થા, LED સ્માર્ટ ટીવી તથા પોષણ વાટિકા જેવી સુવિધાઓ પણ બાળકોના શિક્ષણ અને પોષણ અંગેની જાગૃતિને પ્રોત્સાહન આપશે. BALA એટલે કે ‘Building as Learning Aid’ની સંકલ્પના હેઠળ આંગણવાડીના મકાન, રંગો અને દીવાલો પણ બાળકોના શીખવાના માધ્યમ બને તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાંધકામની ગુણવત્તા સુનિશ્ચિત કરવા IIT ગાંધીનગરના સહયોગથી પસંદગીનાં આંગણવાડી મકાનોનું થર્ડ પાર્ટી ટેકનિકલ નિરીક્ષણ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

પોષણ ક્ષેત્રે વ્યાપક કામગીરી : લાખો બાળકો અને માતાઓને લાભ

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકો તથા માતાઓના પોષણસ્તરમાં સુધારો લાવવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ટેક હોમ રાશન યોજના અંતર્ગત રાજ્યમાં 15 લાખથી વધુ બાળકો, આશરે પાંચ લાખ માતાઓ અને 10 લાખ કિશોરીઓને દર મહિને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. આ યોજના માટે 615 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આંગણવાડીઓમાં આવતા 18 લાખથી વધુ બાળકોને ગરમ ભોજન તૈયાર કરવા માટે પોષક તત્ત્વોથી સમૃદ્ધ ફોર્ટિફાઇડ લોટ પૂરો પાડવામાં આવે છે. આદિજાતિ વિસ્તારો અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના અંતર્ગત દર વર્ષે આશરે 126 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 11 લાખ બાળકો અને બે લાખ માતાઓને પેશ્ચ્યુરાઇઝ્ડ ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. 


આ પણ વાંચો   :    Anand : SOGના PSI વી.એન. રાઠોડ સામે 2 લાખની લાંચનો ગંભીર આરોપ, વચેટિયો ACBના છટકામાં ઝડપાયો