ભાઈ અને બહેન વચ્ચેના અતૂટ સ્નેહ અને પવિત્ર સંબંધના પ્રીતિક સમાન ભાઈબીજનો તહેવાર અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. આ પર્વ નિમિત્તે જગન્નાથ મંદિર ભાઈ-બહેનના અદ્ભુત પ્રેમનું જીવંત પ્રતિક બની ગયું હતું. ભગવાન જગન્નાથ અને બલરામજી સાથે તેમની બહેન દેવી સુભદ્રાજીના સાનિધ્યમાં આ ઉત્સવની દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં અલૌકિક અને પવિત્ર વાતાવરણ સર્જાયું હતું.
દેવી સુભદ્રાજીને અર્પણ કરાઈ લાખેણી ભેટ
ભાઈબીજના પવિત્ર અવસરે દેવી સુભદ્રાજીને લાખેણી ભેટ ધરવામાં આવી હતી, જેમાં સુંદર સાડી અને વિશેષ પાર્વતી શણગાર અર્પણ કરવામાં આવ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર અને પૂજાવિધિ સાથે દેવી સુભદ્રાજીનું શણગાર દર્શન યોજાયું હતું, જેણે ત્યાં ઉપસ્થિત તમામ ભક્તોનું મન મોહી લીધું હતું. ભાઈ-બહેનના આ પાવન પર્વ પર પ્રભુના આ સ્વરૂપના દર્શન કરવાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહાત્મય રહેલું છે, જેને લઈને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવી હતી.
