પાંચ હજાર વર્ષના પૌરાણિક પાંડવ કાલીન શ્રીભીમનાથ દાદાના મંદિરે બાવન ગજની ૪૫૩મી ધ્વજા રોહણ કરતા ગાંફ સ્ટેટના વર્તમાન ઠાકોર સાહેબ રા'વિરભદ્રસિંહજી વિક્રમસિંહજી ચુડાસમા, અને ગાંફ સ્ટેટના યુવરાજ સાહેબ ક્રિષ્નરાજસિંહજી વીરભદ્રસિંહજી ચુડાસમા સહિતના અગ્રણીઓએ પાંચસો વર્ષ ઉપરાંતની રજવાડી પરંપરાનુ જતન અને સંવર્ધન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


સમસ્ત ગાંફ ગામના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામા આવેલા ભીમનાથ દાદાના આ પાંડવ કાલીન મંદિરની ૪૫૩મી બાવન ગજની ધ્વજ ચઢાવતા સમાજ અગ્રણીઓએ સ્ટેટના ભવ્ય ભૂતકાળ, સમૃદ્ધ વારસો, અને શૌર્યગાથાથી લોકોને વાકેફ કરવાની હિમાયત કરી હતી. આ વેળા ભીમનાથ મહાદેવ મંદિરના મહંત ૧૦૦૮ આશુતોષગિરીજી સહિત ચુડાસમા સમાજના ઉપપ્રમુખ મહાવીરસિંહ ચુડાસમા-જીંજર, ગોરાસુ ખોડિયાર મંદિર કારભારી દશરથભાઈ દવે, સર્વ સહદેવસિંહજી ચુડાસમા-ધોલેરા, રાજેન્દ્રસિંહ ચુડાસમા-સાંઢીડા, મહેન્દ્રસિંહજી ચુડાસમા-વાગડ, કિશોરસિંહ ચુડાસમા, અજયરાજસિંહ ચુડાસમા, જગદીશસિંહ ચુડાસમા (જયભગવાન), હર્ષરાજસિંહ ચુડાસમા-ધોલેરા, ખોડુભા ચુડાસમા-ભડીયાદ, અજયસિંહ ચુડાસમા, હરદીપસિંહ ચુડાસમા, હાર્દિકસિંહ ચુડાસમા-ચેર, સૂરપાલસિંહ ચુડાસમા-બાવળિયારી, અજયસિંહ ચુડાસમા-ઉંચડી અને સમસ્ત ગાફ ગામના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

રા'નવઘણજી બાપુની ૧૬મી પેઢીએ સોરઠના રાજા રા'રાયસળજી બાપુ થયા

ઉલ્લેખનીય છે કે, સોરઠના શુરવીર રા'નવઘણજી બાપુની ૧૬મી પેઢીએ સોરઠના રાજા રા'રાયસળજી બાપુ થયા. ખોડિયાર માતાજીના ભક્તો માટે રાયસળજી બાપુ ભક્તિ અને રક્ષણના પ્રતિક છે. જેમની ૧૪મી પેઢીમા ગાંફ સ્ટેટની ગાદી પર રાહુભા બાપુ થયા. રાહુભા બાપુના "મતુ" નામના હાથી, તથા બાવન ગામના બાવન ઘોડેસવાર ગાંફ ભાયાતી તાલુકદારો સાથે ભીમનાથ દાદાના પવિત્ર સાનિધ્યમાં બાવન ગજની ધ્વજારોહણ માટે જે તે સમયે ભવ્ય સમારંભ યોજતા. જે સોરઠની એક અનોખી પરંપરા બની રહી હતી.

રા'નવઘણજીનુ નામ માત્ર ઈતિહાસમા જ નહીં, પરંતુ ફિલ્મો, કવિતા અને ચારણી સાહિત્યમા પણ અવિસ્મરણિય રીતે જીવંત છે

આ રાહુભા બાપુ અને રા'નવઘણજીની સીધી લીટીના વારસદાર ગાંફ ઠાકોર સાહેબ રા'વિરભદ્રસિંહજી વિક્રમસીહજી ચુડાસમા, અને ગાંફ યુવરાજ સાહેબ શ્રી ક્રિષ્નરાજસિંહજી વીરભદ્રસિંહજી ચુડાસમાએ ભીમનાથ દાદાને નતમસ્તક વંદન અર્પણ કરી, અને ખોડિયાર માતાજીના આશીર્વાદથી સોરઠની આ ગૌરવગાથાને આગળ વધાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સોરઠની ધરતી પર શૌર્ય, ભક્તિ, અને રાજસત્તાની ગાથા કાળના પાને સ્વર્ણ અક્ષરે લખાયેલી છે. આ ગાથાના કેન્દ્રમાં છે જુનાણા (જુનાગઢ) ની મુખ્ય ગાદી, કે જ્યાંથી પ્રખ્યાત રાજા રા'નવઘણજીએ પોતાના અપ્રતિમ શૌર્ય અને ધર્મનિષ્ઠા વડે સોરઠના ઈતિહાસમા અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે. રા'નવઘણજીનુ નામ માત્ર ઈતિહાસમા જ નહીં, પરંતુ ફિલ્મો, કવિતા અને ચારણી સાહિત્યમા પણ અવિસ્મરણિય રીતે જીવંત છે. તેમના યોગદાન અને પ્રદાનને નવી પેઢી સમક્ષ ઉજાગર કરવાની દિશામા પણ, સમાજ શ્રેષ્ઠીઓ પ્રયાસ કરી રહ્યા છે. જેનાથી સ્ટેટના ભવ્ય ભૂતકાળ, સમૃદ્ધ વારસો, અને શૌર્યગાથાથી લોકોને વાકેફ કરી શકાય.

  • Follow us on: