દિવાળી અને નૂતન વર્ષના પાવન અવસરે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ભક્તિ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. આદિ અનાદિ કાળથી ચાલી આવતી વેદોક્ત અને શાસ્ત્રોક્ત વિધિઓ અનુસાર મંદિરના મેનેજર દ્વારા નવા વર્ષના ચોપડા પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પૂજન દરમિયાન ખાસ કરીને ચાંદીની પેન અને ચાંદીના ખાડિયાની વિશેષ પૂજા કરવામાં આવી હતી, જે મંદિરે આવેલા તમામ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.

કાળિયા ઠાકોરને અમૂલ્ય આભૂષણોનો વિશેષ શણગાર

ડાકોર મંદિરમાં દિવાળી પર્વનું વિશેષ મહત્વ એટલા માટે પણ છે કારણ કે વર્ષ દરમિયાન માત્ર પાંચ જ દિવસ એવા હોય છે જ્યારે ભગવાનને વિશેષ આભૂષણોથી શણગારવામાં આવે છે. આજે કાળિયા ઠાકોરને અમૂલ્ય આભૂષણોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આજના દિવસે સાંજે ઠાકોરજી એક અનોખું વેપારી સ્વરૂપ ધારણ કરીને ભક્તોની હૂંડીઓ સ્વીકારશે, જે વર્ષમાં માત્ર એક જ વખત બનતી અદભુત ઘટના છે. આ અલૌકિક દ્રશ્યના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો ડાકોરધામ ખાતે દોડી આવ્યા છે.

ડાકોરધામમાં ભક્તિમય માહોલ

દિવાળીના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં મંગળા આરતીથી જ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. 'જય રણછોડ, માખણચોર'ના નારા સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ કાળિયા ઠાકોરના દિવ્ય દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તહેવારના આ પવિત્ર દિવસે લાખો ભક્તો સુખરૂપ દર્શન કરી શકે અને ઉત્સવને ઉમંગભેર માણી શકે તે માટે મંદિર ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkotમાં દિવાળી ટાણે ફટાકડા બજાર પડી ઠંડી: 30થી 40%ના ભાવ વધારાને કારણે બજારોમાં ગ્રાહકોની પાંખી ભીડ