ગુજરાત સહિત આસપાસના વિવિધ રાજ્યોમાં પણ આસ્થાનું પ્રતિક બનેલા ખેડા જિલ્લાના પ્રસિદ્ધ ફાગવેલ ધામ ખાતે વીર ભાથીજી મહારાજના મંદિરે ભવ્ય 'જાયણી ઉત્સવ' ની શાનદાર ઉજવણી શરૂ થઈ ગઈ છે. ક્ષત્રિય અને ઠાકોર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન વીર ભાથીજી મહારાજ પ્રત્યે માત્ર એક જ સમાજ નહીં પરંતુ અન્ય સમાજના ભક્તોમાં પણ અપાર શ્રદ્ધા જોવા મળે છે. નવા વર્ષના વધામણાં સાથે વહેલી સવારે 4 વાગ્યાથી જ ફાગવેલ ખાતે ભક્તોની લાંબી કતારો લાગી ગઈ છે અને સમગ્ર યાત્રાધામ 'વીર ભાથીજી મહારાજ કી જય' ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે.
ગાયોની રક્ષા કાજે આપ્યું હતું પ્રાણનું બલિદાન
લોકવાયકાઓ અને ઇતિહાસ મુજબ, વીર ભાથીજી મહારાજે ગાયોની રક્ષા માટે પોતાના પ્રાણનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. તેમનો ઇતિહાસ શૌચ અને બલિદાનની અનોખી ગાથા છે, જેમાં ઉલ્લેખ છે કે યુદ્ધભૂમિ પર મસ્તક કપાઈ ગયા બાદ પણ ભાથીજી મહારાજનું ધડ શત્રુઓ સામે વીરતાપૂર્વક લડતું રહ્યું હતું. તેમની આ જ અદભુત શૌર્યગાથા અને ચમત્કારોને કારણે શ્રદ્ધાળુઓ તેમના પ્રત્યે અગાધ શ્રદ્ધા ધરાવે છે, અને આજરોજ પર્વ નિમિત્તે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે.
