અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પશુઓના મૃતદેહોના વૈજ્ઞાનિક અને યોગ્ય નિકાલ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને વસાવવામાં આવેલું 'ડેડ એનિમલ ઇન્સીનરેટર' મશીન હાલ ધૂળ ખાઈ રહ્યું છે. પાલિકાની ડમ્પિંગ સાઈટ પર સ્થાપિત આ મશીન લાંબા સમયથી બંધ હાલતમાં હોવાથી તેનો કોઈ જ ઉપયોગ થઈ રહ્યો નથી.

છેલ્લા એક વર્ષથી રૂ. 80 લાખનું સ્ટ્રક્ચર ઉપયોગ વગરનું

મળતી માહિતી મુજબ, અંકલેશ્વરમાં મૃત્યુ પામેલા પશુઓના મૃતદેહના યોગ્ય નિકાલ માટે અંદાજે 80 લાખ રૂપિયાના જંગી ખર્ચે આ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમય વીતી જવા છતાં આ મશીનનો એક દિવસ પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી, જેના કારણે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

પશુઓના મૃતદેહ ખુલ્લામાં સડવા ફેંકાતા હોવાના ગંભીર આક્ષેપ

મશીન કાર્યરત ન હોવાના કારણે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મૃત પામેલા પશુઓના મૃતદેહોને વૈજ્ઞાનિક પદ્ધતિથી બાળવાના બદલે ડમ્પિંગ સાઈટના ખુલ્લા વિસ્તારોમાં ઢગલાબંધ સડવા માટે ફેંકી દેવામાં આવતા હોવાના ચોંકાવનારા આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. આ ગંદકી અને બેદરકારીના કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે.

Bharuch News: in Ankleshwar, Rs 80 Lakh Dead Animal Incinerator Machine Lies Defunct, Opposition Alleges Corruption

પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અને પાલિકાનો પોકળ બચાવ

આ સમગ્ર મામલે વિપક્ષી નેતાઓ દ્વારા પ્રોજેક્ટ પાછળ મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. બીજી બાજુ, નગરપાલિકા તંત્ર દ્વારા એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે, ગેસ લાઈન ઉપલબ્ધ ન હોવાના કારણે આ પ્રોજેક્ટ હાલ ઠપ્પ પડેલો છે. જોકે, લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ ગેસ લાઈન જેવી પ્રાથમિક સુવિધાનું આયોજન વગર જ પ્રોજેક્ટ શરૂ કરવાના પાલિકાના વહીવટ સામે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો: Bharuch: અંકલેશ્વરમાં NH-48 પર નિલેશ ચોકડી બ્રિજ નીચે કન્ટેનર ભટકાયું; સળિયા દેખાઈ ગયા