ભરૂચના પાલેજ પંથકમાં તાજેતરમાં ફૂડ પોઈઝનિંગના કારણે એક નિર્દોષ બાળકના મોતની ગંભીર ઘટના બની હતી. આ કરૂણાંતિકા બાદ હરકતમાં આવેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા સ્થાનિક પ્રશાસન દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના જ ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત 'અમદાવાદી તવા ફ્રાય' સહિતના અનેક વેજ અને નોન-વેજ રેસ્ટોરન્ટ્સ પર દરોડા પાડીને તંત્ર દ્વારા તપાસ હાથ ધરીને રેસ્ટોરન્ટ્સ બંધ કરાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ઉચ્ચ અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા 20થી વધુ રેસ્ટોરન્ટ્સમાં સઘન તપાસ

આ દરોડા દરમિયાન ભરૂચના ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો મોટો કાફલો રૂબરૂ તપાસમાં જોડાયો હતો. ટીમ દ્વારા પશ્ચિમ વિસ્તારના 20થી વધુ રેસ્ટોરન્ટ્સની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી હતી, જેમાં વપરાશમાં લેવાતી એક્સપાયરી ડેટ વાળા લોટ સહિતની અખાદ્ય સામગ્રીઓનો જથ્થો મળી આવતા અધિકારીઓએ તેને સ્થળ પર જ જપ્ત કર્યો હતો.

ગંદકી અને મચ્છરોના સામ્રાજ્ય વચ્ચે તૈયાર થતી વાનગીઓ સામે લાલ આંખ

રેસ્ટોરન્ટ્સના રસોડાની તપાસ દરમિયાન અનહદ ગંદકી જોવા મળી હતી. જે સ્થળે લોકો માટે ખાવાની વાનગીઓ તૈયાર કરવામાં આવતી હતી ત્યાં ચારેય તરફ ગંદકીનું સામ્રાજ્ય અને મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળ્યો હતો. નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા આવા રેસ્ટોરન્ટ સંચાલકો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ભરૂચ પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરનારા કોઇપણ રેસ્ટોરન્ટને બક્ષવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેશે.

આ પણ વાંચો : Navsariમાં વન મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ! ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન