ભાવનગર શહેરના પોલીસ બેડામાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ નરપતસિંહ ગોહિલ અચાનક રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા છે. અચાનક તેઓ લાપતા થઈ જવાથી પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે અને પોલીસ વિભાગમાં પણ હડકંપ મચી ગયો છે. લાંબા સમયથી ફરજ પર હાજર આ કર્મચારીનો કોઈ જ પત્તો ન લાગતા સહકર્મીઓ પણ ચિંતામાં મુકાયા છે.
કોન્સ્ટેબલના ઘરેથી મળી આવી શંકાસ્પદ નોટ
જયેન્દ્રસિંહ ગોહિલ ગુમ થયા બાદ તેમના ઘરની અંદરથી એક લેખિત નોટ મળી આવી હોવાની વાત સામે આવી છે. આ નોટ મળ્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો છે અને પરિવારની ચિંતા અનેકગણી વધી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોન્સ્ટેબલના પત્ની દ્વારા તુરંત જ સક્રિયતા દાખવીને શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જઈને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી અને પતિને હેમખેમ શોધી આપવા માટે આજીજી કરવામાં આવી હતી.
