ભાવનગર શહેરમાં ઇસ્કોન ક્લબ નજીક આવેલા રોડ પર ગત રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા એક યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોને ઈજા પહોંચી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. ત્રણ યુવાનો એક જ બાઇક પર સવાર થઈને ઇસ્કોન ક્લબ રોડ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યા હતા. અકસ્માત દરમિયાન બાઇક ચાલકે કોઈ કારણસર અચાનક કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક રસ્તાની બાજુમાં આવેલી એક દિવાલ સાથે જોરદાર રીતે અથડાઈ હતી.


પૂર ઝડપે જતી બાઇક દિવાલ સાથે અથડાતા અકસ્માત

અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાઇક પર ત્રણ સવારી હોવાને કારણે અને અતિશય ઝડપને કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા છે. આ અકસ્માતમાં સવાર ત્રણ યુવાનોમાંથી એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના મોટી સંખ્યામાં ટોળાં બનાવ સ્થળે એકઠા થયા હતા. ઘટનાની ગંભીરતા જોતા બોરતળાવ પોલીસ સ્ટેશનની ટીમ તુરંત બનાવ સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની વધુ તપાસ હાથ ધરી છે. જેમાં અકસ્માતનું ચોક્કસ કારણ અને મૃતક યુવકની ઓળખ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર યુવાનોને ઝડપી અને બેદરકારીભર્યા ડ્રાઇવિંગ સામે ચેતવણી આપી છે.


  • Follow us on: