ભાવનગરમાં સોશિયલ મીડિયા પર ફેમસ થવાના જોખમી શોખના કારણે એક કરૂણ ઘટના બની છે. શહેરના ગણેશગઢ વિસ્તાર પાસે ચાલુ બાઇકે રીલ્સ (Reels) બનાવવાની પ્રક્રિયામાં અકસ્માત સર્જાતા એક સગીર યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, સગીર યુવક બાઇક પર પાછળ બેઠેલો હતો અને રીલ્સ બનાવવામાં વ્યસ્ત હતો, તે દરમિયાન બેફામ ગતિ અને મોબાઈલના કારણે બાઇકનું બેલેન્સ બગડ્યું અને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.
સગીરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત
આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇકની પાછળ બેઠેલા સગીરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક ચલાવનાર અન્ય યુવકને પણ ઇજાઓ થઈ હોવાની શક્યતા છે. આ બનાવના કારણે વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી અને રીલ્સ બનાવવાની બેદરકારીભરી પ્રવૃત્તિ પર સવાલો ઊભા થયા છે. આ ઘટના યુવા પેઢી માટે એક ચેતવણી સમાન છે કે રોડ સેફ્ટીના નિયમોની અવગણના અને જોખમી સ્ટંટના કેવા ભયંકર પરિણામો આવી શકે છે.













