ભાવનગર જિલ્લાના પ્રખ્યાત અને આસ્થાના કેન્દ્રસમા બગદાણા (Bagdana) ગુરુ આશ્રમના વહીવટી તંત્ર સામે વિવાદોના વાદળો ઘેરાયા છે. બગદાણા સમસ્ત ગામ અને કોળી સમાજ વતી ટ્રસ્ટના વહીવટ સામે ગંભીર આક્ષેપો કરતી એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં આશ્રમના સંચાલન, નાણાકીય બાબતો અને ભ્રષ્ટાચારને લઈને અનેક ચોંકાવનારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેના કારણે પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
જમીન ખરીદીમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ બહાર લાવનાર કર્મચારીઓને કાઢી મૂકવાના આક્ષેપો
ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અનુસાર, બગદાણા આશ્રમ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી જમીન ખરીદી (Land Purchase) માં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેની તટસ્થ તપાસ થવી જોઈએ. આ ઉપરાંત, ટ્રસ્ટમાં ચાલતી અનિયમિતતાઓ અને કૌભાંડોને બહાર લાવનાર કર્મચારીઓને સબક શીખવવાના ભાગરૂપે નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરાયો છે. મંદિરમાં આવતા સેવનના પૈસા પણ યોગ્ય રીતે જમા નહીં થતા હોવાનો દાવો કરાયો છે.
ખરીદીમાં મનમાની અને લોકશાળાના મેદાનમાં તળાવ બનાવી દેવાનો દાવો
વહીવટી તંત્ર પર આરોપ મૂકવામાં આવ્યો છે કે બાંધકામ માટેનું મટિરિયલ નિયમ મુજબ ભાવપત્રો મંગાવીને ખરીદવાને બદલે ટ્રસ્ટીઓના સબંધીઓ પાસેથી જ ખરીદવામાં આવે છે. આશ્રમમાં પેટ્રોલપંપ હોવા છતાં બહારથી પેટ્રોલની ખરીદી કરવામાં આવે છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે લોકશાળાની રમતગમતના મેદાનમાં તળાવ બનાવી દેવામાં આવ્યું હોવાનો દાવો પણ આ રજૂઆતમાં કરાયો છે. લારી, ગલ્લા અને પાથરણાવાળા શ્રમજીવીઓ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે.
50મી પુણ્યતિથિના આયોજન મુદ્દે સૂચનો
આગામી બાપાની 50 મી પુણ્યતિથિ (50th Punyatithi) ના ભવ્ય આયોજન સંદર્ભે પણ ગ્રામજનોએ મહત્વના સૂચનો કર્યા છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરને સ્ટેજનું સંચાલન આપવામાં ન આવે, કારણ કે તેમણે અગાઉ ભાગુડામાં ક્યારેય બાપાની જય બોલાવી નથી. આ સાથે જ બગદાણા ગુરુઆશ્રમમાં વર્ષોથી સેવા આપનાર કોળી સમાજ અને સ્થાનિક લોકોને ટ્રસ્ટમાં યોગ્ય સ્થાન તથા સન્માન આપવાની માંગ સાથે તમામ આક્ષેપોની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરાઈ છે.
આ પણ વાંચો : Anand News : મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં પણ ઝીંકાયો ધરખમ વધારો!