ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના તબીબી વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થઈ હોવાની એક અત્યંત ગંભીર ઘટના સામે આવતા શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જોકે, આ આખા મામલે દોષિતો સામે કાયદાકીય સકંજો કસવા માટેની પોલીસ ફરિયાદ પ્રક્રિયામાં મોટું કોકડું ગૂંચવાયું છે. સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી માહિતી મુજબ, મેડિકલ કોલેજના જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ આ રેગિંગનો ભોગ બન્યા છે, તેઓ ભવિષ્યની ચિંતા અથવા અજ્ઞાત ડરના કારણે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે બિલકુલ તૈયાર નથી થઈ રહ્યા.
ડીન આ મામલાને હળવાશથી લેવાના મૂડમાં નથી
બીજી તરફ, કોલેજ પ્રશાસન અને મેડિકલ કોલેજના ડીન આ મામલાને હળવાશથી લેવાના મૂડમાં નથી. તેઓ રેગિંગ કરનારા સિનિયર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે મક્કમ દેખાઈ રહ્યા છે.













