ભાવનગરના લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. શહેરીજનોની ટ્રેનની સુવિધામાં વધારો થયો છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાના પ્રયાસોથી ભાવનગર-પોરબંદર ટ્રેનનું ખોડિયાર મંદિર સ્ટેશન ખાતે સ્ટોપેજ અપાયું. હવેથી આ સ્ટોપેજના કારણે ખોડિયાર ધામની મુલાકાત લોકો માટે વધુ સરળ બની છે. મુસાફરો ટ્રેન સુવિધા મારફતે ખોડિયારધામની મુલાકાત લઈ શકશે. આ સ્ટોપેજના કારણે ખોડિયાર ધામ આવતા અને જતા મુસાફરોને સીધો ફાયદો થશે.
ભક્તો અને મુસાફરોની માગ પૂર્ણ થઈ
આ પ્રસંગે નીમુબેન બાંભણીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવનો ખાસ આભાર વ્યક્ત કર્યો. વધુમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ થકી જ આ શક્ય બન્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજીની દૂરંદેશી નેતૃત્વ અને સંવેદનશીલ નિર્ણય લેતા લોકોને લાભ મળ્યો છે. "ભક્તો અને મુસાફરોની આ લાંબા સમયથી ચાલી આવતી માંગણી પૂર્ણ થઈ છે. સરકારે માત્ર જાહેર સુવિધાઓને પ્રોત્સાહન આપ્યું નથી પરંતુ આ પ્રદેશની શ્રદ્ધાનું પણ સન્માન કર્યું છે. ખોડિયાર માતાજીના આશીર્વાદથી, ભાવનગર-બોટાદ સંસદીય મતવિસ્તારમાં વિકાસનો કાફલો સતત આગળ વધી રહ્યો છે.













