ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં અગાઉ વિવાદ સર્જાયા બાદ હવે બોયઝ હોસ્ટેલમાં પણ જમવાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આજે બપોરે બોયઝ હોસ્ટેલમાં આપવામાં આવેલા ભોજનમાંથી ઈયળ અને અન્ય જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ ભારે આક્રોશમાં આવી ગયા હતા. અવારનવાર નબળી ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવતું હોવાના આક્ષેપ સાથે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ સ્થળ પર જ હોબાળો મચાવ્યો હતો.
ABVP મેદાનમાં
વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હોબાળાની જાણ થતાં જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ABVP એ વિદ્યાર્થીઓના પડખે રહીને હોસ્ટેલ તંત્ર અને કેન્ટીન સંચાલકો સામે કડક વિરોધ નોંધાવ્યો હતો. હોસ્ટેલમાં અપાતા અનાજ અને ભોજન બનાવવાની જગ્યાની સ્વચ્છતા અંગે પણ ભારે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
