વડોદરામાં ઓનલાઈન અશ્લીલતાના ગોરખધંધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પ્રકૃતિ પ્લાઝાના એક ફ્લેટમાંથી ચાલતું કથિત ન્યુડ કોલિંગ સેન્ટર પોલીસે ઝડપી પાડ્યું છે. આ સમગ્ર રેકેટમાં આધુનિક ટેક્નોલોજી, મોબાઇલ એપ્લિકેશન અને હાઈટેક સાધનોનો ઉપયોગ કરીને ગ્રાહકોને આકર્ષવામાં આવતા હતા. પોલીસના દરોડા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ફ્લેટ ખરીદી ન્યુડ વીડિયો કોલનો ગોરખધંધો 

માંજલપુર પોલીસને મળેલી બાતમીના આધારે પ્રકૃતિ પ્લાઝામાં આવેલા ફ્લેટ પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે ઓનલાઈન વીડિયો કોલિંગની શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ફ્લેટમાંથી મુખ્ય આરોપી મનીષ પઢિયારને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ત્રણ લેપટોપ, બે હાઈટેક કેમેરા, આઈફોન-15 સહિતના ડિજિટલ સાધનો કબજે કરવામાં આવ્યા છે. હવે પોલીસ આ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ કરાવી સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ માટે Stripchat નામની એપ્લિકેશનનો ઉપયોગ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ઓનલાઈન વીડિયો સ્ટ્રીમિંગ માટે Stripchat નામની એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો. અલગ-અલગ યુવતીઓને ફ્લેટ પર બોલાવી ખાસ તૈયાર કરાયેલા રૂમમાં વીડિયો કોલ માટેનું સેટઅપ ગોઠવવામાં આવતું હતું. ત્યારબાદ ગ્રાહકો સાથે ઓનલાઈન વીડિયો કોલ શરૂ કરવામાં આવતો અને ગ્રાહકની માંગ મુજબ યુવતીઓ દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવતી હતી. મળતી આવકમાંથી લગભગ અડધી રકમ યુવતીને આપવામાં આવતી હતી જ્યારે બાકીની રકમ આરોપી પોતાના કમિશન તરીકે રાખતો હતો.

Vadodara Crime: High-Tech Nude Video Call Racket Busted in Manjalpur

આરોપી માત્ર 10મું ધોરણ પાસ 

આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આરોપી માત્ર 10મું ધોરણ પાસ હોવા છતાં ટેક્નિકલ સમજના આધારે APK ફાઇલની મદદથી એપ્લિકેશન તૈયાર કરીને ગ્રાહકો સુધી પહોંચવાનો રસ્તો શોધી કાઢ્યો હતો. 

500થી રૂ.5,000 સુધીનું રિચાર્જ કરાવવામાં આવતું 

પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે ગ્રાહકોને એપ્લિકેશનમાં એકાઉન્ટ બનાવડાવી રૂ.500થી રૂ.5,000 સુધીનું રિચાર્જ કરાવવામાં આવતું હતું. રિચાર્જ બાદ ગ્રાહકોને વર્ચ્યુઅલ કોઇન આપવામાં આવતા અને વીડિયો કોલ દરમિયાન જેટલો સમય વાતચીત ચાલે તેટલા કોઇન ખર્ચાતા હતા. આરોપીને દરેક કોઇન સામે નક્કી થયેલું કમિશન મળતું હતું.

11 લાખ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો 

પોલીસના જણાવ્યા અનુસાર મનીષ પઢિયારે માંજલપુરમાં આશરે 11 લાખ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો હતો અને ત્યાંથી જ આ સમગ્ર કથિત ઓનલાઈન ધંધો ચલાવતો હતો. ફ્લેટમાં લાઈટિંગ, કેમેરા, લેપટોપ અને ઝડપી ઈન્ટરનેટ સાથે સંપૂર્ણ સ્ટુડિયો જેવું સેટઅપ ઉભું કરવામાં આવ્યું હતું. ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ થતો હતો અને તેઓને વીડિયો કોલિંગ માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા.

પોલીસે શંકાસ્પદ યુવતીની પૂછપરછ કરી

તપાસ દરમિયાન એક યુવતી પણ મળી આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ તે મૂળ ગાઝિયાબાદની રહેવાસી છે અને એર હોસ્ટેસ બનવાનો અભ્યાસ કરી રહી હતી. તે આ સમગ્ર પ્રવૃત્તિમાં કઈ રીતે જોડાઈ, તેની ભૂમિકા શું હતી અને અન્ય કેટલી યુવતીઓ આ નેટવર્ક સાથે સંકળાયેલી હતી તે અંગે પોલીસે વિગતવાર પૂછપરછ શરૂ કરી છે.

કોઈ મોટું ઓનલાઈન રેકેટની શંકા 

પોલીસ હવે માત્ર આ એક ફ્લેટ સુધી તપાસ મર્યાદિત રાખવા માંગતી નથી. તપાસ એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આ સમગ્ર પ્રવૃત્તિ પાછળ કોઈ મોટું ઓનલાઈન રેકેટ કાર્યરત હતું કે નહીં. યુવતીઓને કોણ સંપર્ક કરતું હતું, ગ્રાહકો ક્યાં-ક્યાંથી જોડાતા હતા, નાણાં કયા બેંક ખાતામાં જમા થતા હતા અને આ સમગ્ર કામગીરીમાં અન્ય કોઈ વ્યક્તિ કે ટેક્નિકલ ટીમ સંકળાયેલી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસની તપાસ શરુ

દરોડા દરમિયાન જપ્ત કરાયેલા ત્રણ લેપટોપ, મોબાઇલ ફોન, હાઈટેક કેમેરા અને અન્ય ડિજિટલ સાધનો પોલીસ માટે મહત્વના પુરાવા બની શકે છે. ફોરેન્સિક વિશ્લેષણ બાદ ચેટ હિસ્ટ્રી, ટ્રાન્ઝેક્શન, ગ્રાહકોની વિગતો અને ઓનલાઈન એકાઉન્ટ્સ વિશે વધુ માહિતી મળી શકે છે. જો તપાસમાં અન્ય રાજ્યો અથવા દેશોના ગ્રાહકો કે સંચાલકોના તાર જોડાશે તો કેસ વધુ ગંભીર બની શકે છે.

ગ્રાહકોની માંગ મુજબ અશ્લીલ હરકતો કરાવવામાં આવતી

આ સમગ્ર મામલે એસીપી વિમલ ગામીતે જણાવ્યું હતું કે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે ફ્લેટમાં યુવતીઓને રાખીને ઓનલાઈન વીડિયો કોલ મારફતે ગ્રાહકોને આકર્ષવામાં આવતા હતા અને ગ્રાહકોની માંગ મુજબ અશ્લીલ હરકતો કરાવવામાં આવતી હતી. આ બદલામાં મળતી રકમ આરોપીના ખાતામાં જમા થતી હતી અને તેમાંથી કમિશન આપવામાં આવતું હતું. હાલમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ અન્ય લોકોની સંડોવણી અંગે તપાસ ચાલુ છે. સાથે જ કોઈ ગ્રાહક સાથે છેતરપિંડી અથવા બ્લેકમેઇલ કરવામાં આવ્યું છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ડિજિટલ યુગમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો 

પોલીસે આરોપી સામે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ડિજિટલ યુગમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવાના આવા કિસ્સાઓ કાયદા અમલવારી એજન્સીઓ માટે મોટો પડકાર બની રહ્યા છે. હવે પોલીસની તપાસમાં આ સમગ્ર નેટવર્કના કેટલા નવા તાર બહાર આવે છે અને કેટલા લોકો કાયદાના જાળમાં ફસાય છે તેના પર સૌની નજર છે. 


આ પણ વાંચો  :  Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત