ભાવનગર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહણની હાજરીથી ભારે ખળભળાટ મચી ગયો છે. સોડવદરા ગામના વાડી વિસ્તારમાં એક સિંહણ મુક્તપણે આંટાફેરા કરતી જોવા મળી હતી. સ્થાનિક દ્વારા સિંહણનો આ નજારો કેમેરામાં કેદ કરી લેવાતાં તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને પગલે પંથકમાં ભય અને આશ્ચર્યનો માહોલ સર્જાયો છે.
વરતેજ અને નવાગામના ખેડૂતોમાં ફફડાટનો માહોલ
સીમ વિસ્તારમાં સિંહણ ફરી રહી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ આસપાસના વરતેજ અને નવાગામના ખેડૂતો તથા પશુપાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં પાકને પાણી પાવા કે રક્ષણ માટે જતાં ખેડૂતોમાં પોતાના જીવનું જોખમ વર્તાઈ રહ્યું છે, જેના કારણે લોકો વાડી-ખેતરોમાં એકલા જતાં પણ ડરી રહ્યા છે.
