ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના નાગરિકો માટે લાંબી રાહ જોયા બાદ હવે ખુશીના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી નવી પરિવહન સુવિધાની માગ કરી રહેલા જેસરવાસીઓ માટે અંદાજે રૂ. 7.60 કરોડના જંગી ખર્ચે નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટેનું ભવ્ય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ નવા પ્રોજેક્ટથી માત્ર જેસર તાલુકો જ નહીં પરંતુ આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોના મુસાફરોને પણ અવરજવર માટે મોટી રાહત મળી રહેશે.

મંત્રી અને દિગ્ગજ આગેવાની હેઠળ સંપન્ન થયો કાર્યક્રમ

આ મહત્વપૂર્ણ ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત સરકારના ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા તથા લોકસભા સાંસદ ભરતભાઈ સુથરીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક પદાધિકારીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા બસ સ્ટેન્ડના નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મંત્રીએ આ પ્રોજેક્ટથી ગ્રામ્ય અને શહેરી પરિવહન વધુ સરળ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.


મુસાફરોને મળશે ઉત્તમ સુવિધાઓ અને રાહત

નવા બસ સ્ટેન્ડના આધુનિક નિર્માણથી એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને પ્રતિક્ષા ખંડ, પીવાના પાણી, શૌચાલય સહિતની ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થશે. વર્ષોથી જૂની અને અસુવિધાજનક પરિસ્થિતિનો સામનો કરી રહેલા પ્રવાસીઓને આ નવા પ્રોજેક્ટથી ખૂબ જ મોટો ફાયદો થશે અને સમયસર બસ વ્યવહારનો લાભ મળવાથી મુસાફરી વધુ સુગમ બનશે.


આ પણ વાંચો: 29 October Top News: દિવાળી પર વીજ સંકટની અસર! કમોસમી વરસાદ પડવાની શક્યતા! સામુહિક આપઘાત પાછળનું કારણ શું?