ભાવનગર જિલ્લાના બગદાણા ગુરુ આશ્રમમાં કોળી સમાજના ટ્રસ્ટીની નિમણૂક કરવાની માંગણીને લઈને વિવાદ વધુ ઘેરો બન્યો છે.આ વિવાદ અને સમાજના વિરોધને ધ્યાનમાં રાખીને એક મહત્વની બેઠક થોડીવારમાં મળવા જઈ રહી છે.હાલ બગદાણા સ્થિત કોળી સમાજની વાડી ખાતે આ બેઠક યોજાવાની તૈયારીઓ ચાલી રહી છે. આ બેઠકમાં મુખ્યત્વે નવનીત બાલતીયા તેમજ ચિરાગ ઝાલા અને પીન્ટુ કોળી સહિતના કોળી સમાજના અગ્રણી રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહેવાના છે.બગદાણા ગુરૂ આશ્રમમાં સમાજના ટ્રસ્ટીની નિમણૂક થાય તે મુદ્દે તમામ આગેવાનો એકમંચ પર આવીને ગંભીર ચર્ચા-વિચારણા કરશે.
વિવાદ બાબતે ટ્રસ્ટી મંડળ સાથે રૂબરૂ ચર્ચા કરશે
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આશ્રમમાં ટ્રસ્ટી પદ માટે સમાજની માંગણીને મજબૂત રીતે આગળ વધારવાનો અને આ સમગ્ર વિરોધ પ્રદર્શનને યોગ્ય દિશા આપવાનો છે. તમામ આગેવાનો અહીં એકત્ર થઈને આગળની રણનીતિ ઘડશે.કોળી સમાજની વાડી ખાતે યોજાનારી આ મહત્વની બેઠક પૂર્ણ થયા બાદ આગેવાનો આગળનું પગલું ભરશે. આ બેઠક સંપન્ન થતાં જ નવનીત બાલતીયા, ચિરાગ ઝાલા, પીન્ટુ કોળી તેમજ અન્ય તમામ રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે મળીને બગદાણા ગુરૂ આશ્રમ ખાતે પહોંચશે. ગુરુ આશ્રમ પહોંચીને આ તમામ આગેવાનો ત્યાંના ટ્રસ્ટી મંડળ સમક્ષ રજૂઆતો કરશે.તેઓ આશ્રમમાં કોળી સમાજના ટ્રસ્ટીની નિમણૂક અંગે ચાલી રહેલા વિવાદ બાબતે ટ્રસ્ટી મંડળ સાથે રૂબરૂ ચર્ચા કરશે.
