ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ ઘટનામાં આઠ લોકોના મોત થયાં છે. જ્યારે 60થી વધુ લોકોને અસર થઈ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા દારૂબંધીના મુદ્દા બાદ સરકાર હરકતમાં આવી છે અને ઉચ્ચકક્ષાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને ભાવનગરમાં એસપી કચેરી ખાતે ખાસ મીટિંગ યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, રેન્જ આઈજી અને એસએમસીના ડીઆઈજી વિશાલ વાઘેલા પણ હાજર રહ્યા હતાં.
પોલીસે મુખ્ય સુત્રધાર રઈસ અને ગૌતમની ધરપકડ કરી
આ મીટિંગ બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટનામાં આઠ લોકોના મોત નિપજ્યાં છે. જેને લઈને રાજ્ય સરકાર વતી દુઃખ વ્યક્ત કરૂ છું. સરકાર ભોગ બનેલા પરિવારની સાથે છે. પોલીસ વિભાગ સાથે મળીને ક્યાં શું બન્યું તેની માહિતી મેળવવામાં આવી છે.આ ઘટનામાં પોલીસે ગંભીરતાથી કાર્યવાહી કરી જેના કારણે ઘણા લોકોના જીવ બચી ગયા છે. પોલીસે 21 આરોપીઓમાંથી 13 લોકોને પકડ્યાં છે. આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મળ્યા છે. પોલીસે મુખ્ય સુત્રધાર રઈસ અને ગૌતમની ધરપકડ કરી છે.
