ભાવનગરમાં એક વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોનો આભાર માન્યો અને જણાવ્યું કે, "ભાવનગરે તો આજે વટ પાડી દીધો છે. અહીં મને માનવ સમુદ્ર દેખાય છે." તેમણે કહ્યું કે આ કાર્યક્રમ ભલે ભાવનગરમાં થઈ રહ્યો હોય, પરંતુ તેની અસર આખા દેશ પર પડશે, કારણ કે આ કાર્યક્રમ 'સમુદ્રથી સમૃદ્ધિ'ની દિશા દર્શાવે છે.


ભાવનગરે તો આજે વટ પાડી દીધો

વડાપ્રધાને પોતાના જન્મદિવસની શુભકામનાઓ બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ તમામના પ્રેમ બદલ આભારી છે. તેમણે જણાવ્યું કે, 2 ઓક્ટોબરથી દેશભરમાં 'સેવા પખવાડિયું' ઉજવાઈ રહ્યું છે, જેમાં અસંખ્ય સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ અને સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં પણ 30 હજારથી વધુ સ્થળોએ હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સ્મરણ કર્યું અને જણાવ્યું કે, "ભારતની એકતા માટે કૃષ્ણકુમારસિંહજીએ મોટું યોગદાન આપ્યું." તેમણે ઉમેર્યું કે GSTમાં ઘટાડો થતા બજારોમાં નવરાત્રિની રોનક જોવા મળશે અને આ ઉત્સવના માહોલમાં 'સમુદ્રથી સમૃદ્ધિ'નો મહાઉત્સવ ઉજવાઈ રહ્યો છે.

PM મોદીએ આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો

PM મોદીએ પોતાના સંબોધનમાં આત્મનિર્ભર ભારત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, "વિશ્વમાં આપણું કોઈ મોટું દુશ્મન નથી. આપણો સૌથી મોટો દુશ્મન છે અન્ય દેશો પર નિર્ભરતા." તેમણે કહ્યું કે જેટલી વધુ વિદેશી નિર્ભરતા, તેટલી વધુ દેશની વિફળતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "આપણે ભાવિ પેઢીના ભવિષ્યને દાવ પર ન મૂકી શકીએ." અને આત્મનિર્ભર ભારત જ સો દુઃખોની એક દવા છે. તેમણે ભૂતકાળની સરકારો પર પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે આઝાદી બાદ કોંગ્રેસે ભારતના દરેક સામર્થ્યની અવગણના કરી. કોંગ્રેસે દેશને લાયસન્સ-કોટા રાજમાં ગૂંચવેલું રાખ્યું અને આયાતનો રસ્તો અપનાવ્યો, જેના કારણે દેશના યુવાનોને ખૂબ નુકસાન થયું. તેમણે ફરી એકવાર આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો અને દેશને મજબૂતીથી ઊભા રહેવા માટે હાકલ કરી.

  • Follow us on: