ભાવનગરમાં બનેલી ચર્ચાસસ્પદ લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ તંત્ર સંપૂર્ણ હરકતમાં આવી ગયું છે અને તપાસનો દોર અત્યંત તેજ બનાવી દેવાયો છે. આ ગંભીર કેસની તપાસ સંદર્ભે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના આઈજીપી (IGP) ગગનદીપ ગંભીર પોતે ભાવનગર દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને ઉચ્ચ સ્તરેથી મળેલી સૂચના બાદ SMC ના આ સિનિયર અધિકારીએ જાતે સ્થળ પર પહોંચીને સમગ્ર તપાસનો મોરચો પોતાના હાથમાં સંભાળ્યો છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરાઈ

ભાવનગર પહોંચ્યા બાદ IGP ગગનદીપ ગંભીરે ભાવનગર રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા (SP) તેમજ SMC અને સ્થાનિક પોલીસના સિનિયર અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં અત્યાર સુધી હાથ ધરાયેલી તપાસની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો, કયું કેમિકલ વાપરવામાં આવ્યું હતું અને સમગ્ર સપ્લાય ચેઈન ક્યાં સુધી ફેલાયેલી છે તે અંગેની તમામ વિગતો મેળવી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.

મુખ્ય સૂત્રધારો અને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ

બેઠક પૂર્ણ થયા બાદ IGP ગગનદીપ ગંભીરે લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર અને અગાઉ ઝડપાયેલા મુખ્ય આરોપીઓની જાતે આકરી પૂછપરછ હાથ ધરી છે. આ નેટવર્કમાં અન્ય કયા મોટા બુટલેગરો કે સ્થાનિક આકાઓ સંકળાયેલા છે તે તમામ કડીઓ મેળવવા કડક પૂછપરછ ચાલી રહી છે. SMC ના વડાની સીધી એન્ટ્રી અને તપાસના આક્રમક વલણથી લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવામાં અને તમામ ગુનેગારોને જેલભેગા કરવામાં પોલીસને ઝડપી સફળતા મળશે તેવું મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો : Vadodara News : સાવલીમાં દીપડાનો આતંક! પરથમપુરા ગામમાં હુમલા બાદ ગ્રામજનોમાં ફફડાટ, VIDEO વાયરલ