સાવલી તાલુકાના સિહોરા પાસે આવેલા પરથમપુરા ગામે છેલ્લા બે દિવસથી દીપડાની સતત સક્રિય હિલચાલ જોવા મળતાં સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગામની સીમમાં આવેલા કોતર વિસ્તારમાં દીપડો અવારનવાર દેખા દેતાં સ્થાનિક ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. દિવસ-રાત દીપડાની હાજરીના કારણે લોકો પોતાના ખેતરોમાં જતાં અને રાત્રે ઘરની બહાર નીકળતાં પણ ગભરાઈ રહ્યા છે.
સ્થાનિક પર હુમલો થતાં ગ્રામજનો લાકડીઓ સાથે શોધખોળમાં ઉતર્યા
દીપડાનો આતંક ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે તેણે ગામના એક સ્થાનિક વ્યક્તિ પર અચાનક હુમલો કરી દીધો. આ ઘટનાને પગલે ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોતાનો અને પોતાના પરિવારનો બચાવ કરવા માટે ગ્રામજનો હાથમાં લાકડીઓ અને બેટરીના અજવાળા સાથે રાત્રિના સમયે ગામમાં આંટાફેરા મારીને દીપડાની શોધખોળ કરતા જોવા મળ્યા હતા. લાકડીઓ સાથે દીપડાને શોધતા ગ્રામજનોના આ દ્રશ્યોના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.
