રાજકોટ શહેરમાં વાહન શીખવા દરમિયાન બનતી ઘટનાઓ અવારનવાર ચર્ચાનો વિષય બનતી હોય છે. તાજેતરમાં શહેરના ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે એક મહિલા એક્ટિવા ચલાવવાનું શીખી રહી હતી ત્યારે અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. લોકમુખે બોલાતી રમૂજી કહેવત 'મહિલા એક્ટિવા શીખતી હોય ત્યારે આસપાસ ન રહેવાય' અહીં અક્ષરશઃ સાચી ઠરી હોય તેમ મહિલાએ યુ-ટર્ન મારતી વખતે એક્ટિવા પરથી કાબુ ગુમાવી દીધો હતો.
એક્ટિવા સીધું દુકાનના શટરમાં ઘુસાડી દેતાં મહિલા ઊંધે માથે પછડાયા
મહિલા વાહનચાલકે રોડ પર માંડ માંડ યુ-ટર્ન તો લીધો, પરંતુ લીવર પરથી કાબુ છૂટી જતાં એક્ટિવા સીધું રોડ કિનારે આવેલી એક દુકાન તરફ ધસી ગયું હતું. પૂરપાટ ઝડપે ધસી ગયેલું એક્ટિવા દુકાનના બંધ શટર સાથે જોરદાર ધડાકા સાથે ભટકાયું હતું. અકસ્માત એટલો ઝડપી હતો કે શટર સાથે ભટકાતાં જ મહિલા એક્ટિવા પરથી ઊંધે માથે જમીન પર પછડાયા હતા. આ આખી ઘટના દુકાન નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
