ભાવનગર જિલ્લામાં પોલીસ વહીવટી તંત્રમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ફરજ પ્રત્યે બેદરકારી અને તપાસ દરમિયાન ગંભીર ક્ષતિઓ જણાઈ આવતા બે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી છે. એક સાથે બે પીઆઈએસઆઈ સસ્પેન્ડ થવાથી જિલ્લાના પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

કયા અધિકારીઓ પર થઈ કાર્યવાહી?

મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI એ. વી. સિંગલ અને ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ગણેશ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને અધિકારીઓ દ્વારા સોંપવામાં આવેલી તપાસની કામગીરીમાં ગંભીર ગેરરીતિઓ કે ક્ષતિઓ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

તપાસમાં ક્ષતિ બદલ લેવાયાં પગલાં

પોલીસ વિભાગની આંતરિક તપાસમાં બંને અધિકારીઓની કામગીરી શંકાસ્પદ અને નિયમ વિરુદ્ધ જણાઈ આવતા એસપી નીતિશ પાંડેય દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓની કડક કાર્યવાહીથી પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને ફરજમાં કોતાહી દાખવતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો: Bhavnagarના રસાલા કેમ્પમાં તહેવારો ટાણે ફરસાણની દુકાનોમાં ફૂડ વિભાગનું સરપ્રાઇઝ ચેકિંગ!