ભાવનગર-રાજકોટ હાઇવે પર આવેલા નવાગામ નજીક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી છે. હાઇવે પરથી મોપેડ પર પસાર થઈ રહેલા 2 યુવકોને એક કારચાલકે અડફેટે લીધા હતા. કારની ટક્કર એટલી ગંભીર હતી કે મોપેડ સવાર બંને યુવકોને જીવલેણ ઇજાઓ પહોંચી હતી અને બંનેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માતને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
કરચલિયા પરાના 2 યુવકોએ ગુમાવ્યો જીવ
પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં જીવ ગુમાવનારા બંને યુવકો ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. એક જ વિસ્તારના 2 યુવકોનાં મોતના સમાચારથી સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઈ છે. બીજી તરફ, મૃતકોની ઓળખ અને પરિવારજનો સુધી સમાચાર પહોંચાડવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. પરિવારજનોને જાણ થતાં તેમના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
