ભાવનગર શહેરની સમરસ હોસ્ટેલ ફરી એકવાર હલકી ગુણવત્તાના ભોજનના કારણે ભારે વિવાદમાં સપડાઈ છે.થોડા સમય પહેલાં ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના હજુ તાજી જ છે ત્યાં જ આજે બોયઝ હોસ્ટેલમાં પીરસવામાં આવેલા ભોજનમાંથી ઈયળ અને જીવાત નીકળતા વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓએ હોસ્ટેલ પરિસરમાં જ ભારે હોબાળો મચાવીને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
બપોરના ભોજનમાંથી નીકળી ઈયળ
આજે બપોરના સુમારે સમરસ બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ જ્યારે જમવા માટે બેઠા ત્યારે તેમના ભોજનમાંથી ઈયળ અને અન્ય જીવાતો તરતી જોવા મળી હતી. વારંવાર નબળી અને અસ્વચ્છ ગુણવત્તાનું ભોજન પીરસવામાં આવતું હોવાથી કંટાળેલા વિદ્યાર્થીઓનો રોષ ફાટ્યો હતો.ગર્લ્સ હોસ્ટેલ બાદ હવે બોયઝ હોસ્ટેલમાં પણ આવી જ લાપરવાહી સામે આવતાં સમરસ હોસ્ટેલના મેસ કોન્ટ્રાક્ટર અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.હોબાળા બાદ સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એકત્ર થઈને હોસ્ટેલ પરિસરમાં જ ધરણા પર બેસી ગયા હતાં.
