તાજેતરમાં જ અમદાવાદના બોપલ વિસ્તારમાં સ્થિત મેકડોનાલ્ડ્સની બ્રાન્ચ દ્વારા એક ગ્રાહકને ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી કરી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો હતો. હવે કચ્છના ભુજમાં ત્રિમંદિર નજીક મેક ડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાં ગ્રાહકે વેજ ઓર્ડર ર્યો અને તેને નોનવેજ ઓર્ડર પીરસવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રાહકે રેસ્ટોરન્ટમાં હોબાળો કરતાં ભીડ જામી ગઈ હતી. આ મામલે કોઈ કાર્યવાહી થઈ હોવાની વિગતો સામે આવી છે.
જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છના ભુજમાં ત્રિમંદિર નજીક મેકડોનાલ્ડ્સની બ્રાંચમાં એક ગ્રાહકે વેજ ફૂડ ઓર્ડર કર્યું હતું અને તેને નોનવેજ ફૂડ પીરસવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગ્રાહકના જણાવ્યા પ્રમાણે તેણે મેકડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટના સંચાલકોને આ બાબતે ફરિયાદ કરી હતી પરંતુ તેને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહોતો. તેણે સમગ્ર બેદરકારી મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
વિવાદ દરમિયાન સ્ટાફ મેમ્બર પર હુમલો, ગંભીર હાલતમાં મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી
એક સત્તાવાર નિવેદન જાહેર કરીને મેકડોનાલ્ડ્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તાજેતરમાં બનેલી એક ઘટના દરમિયાન ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી. આ અથડામણ અને હોબાળા વચ્ચે તેમના આઉટલેટના એક સ્ટાફ મેમ્બર સાથે ગેરવર્તણૂક કરીને શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો. સ્ટાફ કર્મચારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક અસરથી ઈમરજન્સી મેડિકલ સહાય અને સારવાર પૂરી પાડવામાં આવી છે. કંપનીએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે.
અમદાવાદમાં પણ આવો બનાવ સામે આવ્યો હતો
તાજેતરમાં જ અમદાવાદમાં બોપલમાં આવેલી આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઈન 'મેકડોનાલ્ડ્સ' ની બ્રાન્ચ દ્વારા એક ગ્રાહકને ઓનલાઈન ફૂડ ઓર્ડરમાં વેજ બર્ગરની જગ્યાએ નોનવેજ બર્ગરની ડિલિવરી કરી દેવામાં આવતા મોટો હોબાળો મચ્યો હતો. આ ગંભીર ભૂલ અંગે જ્યારે ગ્રાહકે જાગૃત નાગરિક તરીકે મેકડોનાલ્ડ્સના સ્ટોર પર રૂબરૂ જઈને રજૂઆત કરી, ત્યારે ત્યાંના સંચાલકો અને સ્ટાફ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ગ્રાહક સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું અને અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું. સ્ટોર મેનેજમેન્ટે આ ગંભીર બેદરકારી સ્વીકારવામાં ભારે આનાકાની કરી હતી.
આ પણ વાંચોઃ Ahmedabad : બોપલમાં મેકડોનાલ્ડ્સની મોટી લાપરવાહી, વેજ બર્ગરના ઓર્ડરમાં મોકલ્યું નોનવેજ બર્ગર