સામાન્ય રીતે કચ્છમાં નવરાત્રિના દિવસો શરૂ થતાં જ ઠંડીના પગરણ થઇ જતા હોય છે.તેમાંય દિવાળી બાદ તો કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે.પરંતુ આ વખતે દિવાળી બાદ પણ ઠંડીની સીઝનનો પ્રારંભ થયો નથી.મોડી રાત્રિના થોડી ઘણી ઠંડકની અનુભૂતિ લોકોને થઇ રહી છે.ખાસ કરીને ડિસેમ્બર માસમાં મહતમ ઠંડી પડતી હોય છે. જેને ધ્યાને લઇને વેપારીઓ દ્વારા અત્યારથી જ ગરમ કપડાંથી પોતાનાં શોરૂમ, દુકાનો સજાવી દેવામાં આવ્યા છે.પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ઠંડીનાં અભાવે ગરમ કપડાંની બજારમાં હાલે મંદીનો માહોલ વર્તાઇ રહ્યો છે.


સવારનાં સમયે ગ્રાહકોની થોડી ઘણી ચહલ પહલ દેખાય છે

ભુજ શહેરમાં હાલે કાપડ બજાર તેમજ અન્ય ખાલી પ્લોટોમાં પણ ગરમ કપડાંનાં વેચાણ માટે સ્ટોલ ઊભા કરી દેવામાં આવ્યા છે.જેમાં શહેરના વાણિયાવાડ, અનમ રિંગ રોડ,તળાવ શેરી સહિતનાં વિસ્તારોમાં ગરમ કપડાંનાં વેચાણ માટે વેપારીઓ સજ્જ થઇ ગયા છે. અનેકવિધ વેરાઇટીઓથી દુકાનો, શો રૂમો સજાવી દીધા છે, જેને કારણે પણ હવે ગરમ કપડાંની ખરીદી માટે ખાસ કરીને સવારનાં સમયે ગ્રાહકોની થોડી ઘણી ચહલ પહલ જોવા મળી રહી છે.આમ તો આ વખતે વરસાદની સીઝન થોડી લાંબી ચાલી છે.

ઠંડીમાં વધારો થશે તેમ તેમ વેપારીઓને પણ તડાકો બોલશે

તાજેતરમાં માવઠં પણ થયું હતું.તે જોતાં આ વખતે ઠંડી થોડી મોડી શરૂ થાય તેવા એંધાણ છે.જિલ્લામાં મુખ્યત્વે બેથી અઢી માસ સુધી ઠંડીનો ચમકારો અનુભવવા મળતો હોય છે. ત્યારે આ સમયગાળા દરમ્યાન લોકો ગરમ કપડાંનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે.હાલે તો વહેલી સવારે અને રાત્રિનાં સમયે થોડી ઘણી ઠંડકનો અહેસાસ થઇ રહ્યો છે, પરંતુ જેમ જેમ ઠંડીમાં વધારો થશે તેમ તેમ વેપારીઓને પણ તડાકો બોલશે.ગરમ કપડાંમાં મુખ્યત્વે જેકેટ, સ્વેટર, મફલર, ટોપી સહિતની વસ્તુઓનું સૌથી વધુ વેચાણ થતું જોવા મળશે.

દર વર્ષે નવી ડિઝાઇનનાં ગરમ કપડાં ખરીદવાનો ટ્રેન્ડ

લગભગ લોકો પાસે ગરમ વસ્ત્રો પડયા જ હોય છે, છતાં પણ દર વર્ષે એકાદ જેકેટ કે સ્વેટર ખરીદવાનું મન રોકી શક્તા નથી. કારણ કે, દર વર્ષે બજારમાં નવી નવી ડિઝાઇનનાં ગરમ કપડાં જોવા મળતા હોય છે. લોકો પોતાની પાસે પડેલા ગરમ કપડાંનો ઉપયોગ કરવાને બદલે નવી ડિઝાઇનના વસ્ત્રો ખરીદવાનું વધુ પસંદ કરતાં હોય છે, જેનો સીધો લાભ હંગામી બજાર કે રસ્તા પર ગરમ કપડાંનું વેચાણ કરતાં ફેરિયાઓ કે વેપારીઓને મળતો હોય છે.

ફેન્સી જેકેટ, હુડીનો યુવાનોમાં અકબંધ ક્રેઝ

યુવાવર્ગમાં ખાસ કરીને અવનવી ડિઝાઇનના ફેન્સી જેકેટ, હુડી ખરીદવાનું વધુ પસંદ કરતા હોય છે. યુવાનોની પસંદગીને ધ્યાને લઇને જ દુકાનદારો, શોરૂમ ધારકો, સ્ટોર ધારકો પણ અવનવી વેરાઇટીનાં ગરમ વસ્ત્રોની વિશાળ રેન્જ ઉપલબ્ધ રાખતા હોય છે. ભૂલકાઓથી માંડીને મોટેરાઓ સુધી તેમજ યુવતીઓ, મહિલાઓ માટે પણ ગરમ કપડાં અત્યારે શહેરની બજારોમાં સરળતાથી મળી રહેવા પામે છે. દર વર્ષે સૌથી વધુ ગ્રાહકો હંગામી કપડાં બજારમાં જોવા મળતા હોય છે.


  • Follow us on: