ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલ મારફતે ધમકી મળતાં જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. સત્ર શરૂ થાય તે પહેલાં જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવૉડ (BDDS) અને સ્થાનિક પોલીસે સમગ્ર વિધાનસભા સંકુલ ખૂણે-ખૂણે ચેક કર્યું હતું. સઘન ચકાસણી બાદ આ ધમકી માત્ર અફવા સાબિત થઈ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ બજેટ સત્ર દરમિયાન પણ વિધાનસભાને આ જ પ્રકારે ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો.
અમદાવાદની ઝાયડસ, DPS અને ઉદગમ સહિતની સ્કૂલો ખાલી કરાવાઈ
બીજી તરફ, અમદાવાદ અને આસપાસની જાણીતી શાળાઓને પણ એકસાથે બોમ્બથી ઉડાવી દેવાના ઈ-મેઈલ મળતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. વેજલપુરની ઝાયડસ સ્કૂલ, ગોધાવીની ઝાયડસ સ્કૂલ, થલતેજની ઉદગમ સ્કૂલ અને DPS સહિતની હાઈપ્રોફાઈલ શાળાઓને ટાર્ગેટ કરવામાં આવી હતી. ધમકી મળતાં જ શાળા સંચાલકોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તકેદારીના ભાગરૂપે તમામ શાળાઓ ખાલી કરાવીને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દીધા હતા અને રજા જાહેર કરી દીધી હતી.
