બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીંબાળી ગામે ઘેલો નદી પર આવેલા બે 50 વર્ષ જૂના અને જર્જરિત પુલો સ્થાનિક રહીશો માટે મોટો ચિંતાનો વિષય બન્યા છે. લીંબાળી અને ઈતરીયા ગામના આશરે 12,000 જેટલા લોકો માટે આ પુલ રાજકોટ, જસદણ, ભડલી, વિંછીયા, બોટાદ, ગઢડા અને ભાવનગર જેવા શહેરો સાથે જોડાણનો મુખ્ય માર્ગ છે. દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર આ જર્જરિત પુલ પરથી થાય છે, જે ગંભીર અકસ્માતનો ભય ઉભો કરે છે.
બ્રિજ પર બે વાહનો સામસામે આવે ત્યારે પસાર થવામાં ભારે મુશ્કેલી
લીંબાળી ગામે આવેલા આ બંને બ્રિજની હાલત અત્યંત દયનીય છે. બ્રિજ નીચેના ભાગેથી પોપડા ખરી પડ્યા છે અને લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. બ્રિજ પરનો રસ્તો પણ બિસ્માર હાલતમાં છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વધુમાં આ બ્રિજ એટલા સાંકડા છે કે બે વાહનો સામસામે આવે ત્યારે પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે, જે અકસ્માતનું કારણ બને છે. લીંબાળી અને ઈતરીયા ગામના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નાગરિકો દ્વારા આ બ્રિજના સમારકામ અથવા નવા પુલના નિર્માણ માટે તંત્રને અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે.
તાત્કાલિક ધોરણે નવો અને પહોળો પુલ બનાવવાની માગ
પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. આના કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વડોદરા જેવી કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે લીંબાળી અને ઈતરીયા ગામના લોકોએ તાત્કાલિક ધોરણે નવો અને પહોળો પુલ બનાવવાની માગ કરી રહ્યા છે. સ્થાનિક રહીશોની સલામતી સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે.