ગુજરાતને વૈશ્વિક રોકાણ અને ઔદ્યોગિક ક્ષેત્રે અગ્રણી બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં જાપાન અને દક્ષિણ કોરિયાનો સફળ પ્રવાસ પૂર્ણ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સતત રોકાણને રોજગારીમાં પરિવર્તિત કર્યું છે. આ પ્રવાસ દરમિયાન બંને દેશોના ઉદ્યોગ સાહસિકો અને વૈશ્વિક કંપનીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી, જેનાથી આગામી સમયમાં સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, ઓટોમોબાઇલ અને ટેક્સટાઇલ ક્ષેત્રોમાં મોટું રોકાણ આવવાની શક્યતાઓ પ્રબળ બની છે.

હોન્ડાના વિસ્તરણ પ્લાનથી 4,000 નવી રોજગારીઓ ઊભી થશે

જાપાન પ્રવાસ દરમિયાન હર્ષ સંઘવીના નેતૃત્વમાં 50 થી વધુ બેઠકો અને 4 મહત્વપૂર્ણ મુલાકાતો યોજાઈ હતી, જેમાં 34 અગ્રણી જાપાનીઝ કંપનીઓ સાથે વન-ટુ-વન બેઠક થઈ હતી. પ્રતિનિધિમંડળે ટોક્યો ખાતે હોન્ડાની ટીમ સાથે મુલાકાત કરી હતી, જ્યાં ગુજરાતમાં હોન્ડાના વિસ્તરણ પ્લાનથી વર્ષ 2027 ના અંત સુધીમાં 4,000 નવી રોજગારીઓ ઊભી થશે તેવી જાહેરાત થઈ હતી. આ ઉપરાંત ઇતોચુ કોર્પોરેશન, નિપ્પોન સ્ટીલ, સુઝુકી મોટર અને ટોક્યો ઇલેક્ટ્રોન જેવી દિગ્ગજ કંપનીઓ સાથે ચર્ચાઓ થઈ હતી તેમજ શિઝુઓકા અને ઇવાતે પ્રિફેક્ચર સાથે ફ્રેન્ડશિપ એગ્રીમેન્ટ અંગે મહત્વપૂર્ણ સંમતિસધાઈ હતી.

DCM Harsh Sanghavi’s Japan-South Korea Tour

દક્ષિણ કોરિયાના પ્રવાસમાં ગ્રીન એનર્જી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભાગીદારી પર ભાર

જાપાન બાદ દક્ષિણ કોરિયાના પ્રવાસે પહોંચેલા પ્રતિનિધિમંડળને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો, જ્યાં 16 વૈશ્વિક કંપનીઓ સાથે સફળ વન-ટુ-વન બેઠકો યોજાઈ હતી. LS ઇલેક્ટ્રિક, કોલોન ઇન્ડસ્ટ્રીઝ, લોટ્ટે વેલફૂડ, યંગવન કોર્પોરેશન, કોસમેક્સ અને સિઓલ વાયોસિસ જેવી અગ્રણી કોરિયન કંપનીઓ સાથેની આ બેઠકોથી ગુજરાતમાં એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ અને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને વેગ મળશે. દક્ષિણ કોરિયાના ટેક્સટાઇલ હબ દાગુ અને KTDI ની મુલાકાત લઈને ટેકનોલોજીકલ આદાનપ્રદાન પર ભાર મૂકવામાં આવ્યો છે, જે 'વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027' નો પાયો વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચો : Ahmedabad News : તહેવારોમાં બાપુનગર બજારમાં ઉભરાશે ભીડ, ટ્રાફિક હળવો કરવા અને નાના વેપારીઓને રાહત આપવા ખાસ વ્યવસ્થાની માંગ!