ગુજરાત માટે આર્થિક મોરચે ખૂબ જ ઉત્સાહજનક અને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યની કર વસૂલાતમાં ચાલુ નાણાકીય વર્ષના મે-2026 મહિનામાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ છે. ગુજરાત રાજ્ય કર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, માત્ર મે મહિનામાં જ રાજ્યની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ વર્ષે ગુજરાતની જીએસટી આવકમાં 16 ટકાનો બમ્પર ઉછાળો જોવા મળ્યો છે.
મે મહિનામાં માત્ર GST થી રૂ. 7,262 કરોડની આવક
મળતી માહિતી મુજબ, મે-2026 ના મહિનામાં ગુજરાત સરકારને જીએસટી હેઠળ કુલ રૂ 7,262 કરોડની અધધ આવક થઈ છે. આ વૃદ્ધિ દર એટલા માટે મહત્વનો છે, કારણ કે રાષ્ટ્રીય સ્તરે સરેરાશ જીએસટી વૃદ્ધિ દર માત્ર 3.2 ટકા રહ્યો છે, જેની સરખામણીએ ગુજરાતે 16 ટકાના ગ્રોથ રેટ સાથે દેશભરમાં પોતાની આર્થિક મજબૂતીનો પરચો આપ્યો છે.
