અમદાવાદમાં સંદેશ ન્યૂઝ દ્વારા આયોજિત 'Powering Tomorrow' કોન્ક્લેવમાં ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી અને નેટ ઝીરો રોડમેપ પર દેશના અગ્રણી નિષ્ણાતો દ્વારા ઊંડાણપૂર્વક મનોમંથન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે વર્ષ 2026ની નવી ઊર્જા નીતિ અને ઇન્વેસ્ટમેન્ટ પોલિસી અંગે મહત્વના નિવેદનો આપ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ગ્રીન એનર્જી તરફ ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે, અને આગામી સમયમાં ગ્રીન પ્રોડક્ટ્સ બનાવતા ઉદ્યોગોને સરકાર વિશેષ રિબેટ પણ આપશે.

'Powering Tomorrow' માં નેટ ઝીરો અને ગ્રીન એનર્જી પર વિશેષ ફોકસ

આ કોન્ક્લેવ દરમિયાન 'ગુજરાત રોડમેપ ટુ નેટ ઝીરો એન્ડ એનર્જી સિક્યુરિટી', 'ડી-કાર્બનાઇઝિંગ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ વિથ સોલાર એન્ડ રિન્યુએબલ એનર્જી' તેમજ 'એફોર્ડેબલ હોમ્સ એન્ડ ફાર્મર્સ થ્રુ અફોર્ડેબલ સોલાર એનર્જી' જેવા વિષયો પર સઘન ચર્ચા કરવામાં આવી હતી. સનાતન કાળથી સૂર્યને ઊર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાવતા ઊર્જા મંત્રીએ જણાવ્યું કે, કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ગ્રીન ઉત્પાદન વધારવું અને ગ્રીન ઇલેક્ટ્રિસિટીની ક્ષમતા વધારવી એ અત્યારે મુખ્ય પડકાર છે, જેના માટે સ્માર્ટ નેટવર્ક ઊભું કરવા વિભાગ રાત-દિવસ કામ કરી રહ્યો છે.

વડાપ્રધાનના વિઝનથી 'મેક ઇન ઇન્ડિયા' સોલાર સેલ અને હાઇડ્રોજન પોલિસી

ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરતા જણાવ્યું કે, અગાઉ આપણે સોલાર સેલની આયાત કરવી પડતી હતી, પરંતુ હવે 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત દેશમાં જ તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં ઐતિહાસિક 'હાઇડ્રોજન પોલિસી' પણ લાગુ કરવામાં આવી છે. પહેલાં રાજ્ય માત્ર થર્મલ પાવર પર નિર્ભર હતું, પરંતુ હવે સોલાર, વિન્ડ અને કોલસા આધારિત પાવરનું સ્માર્ટ એકીકરણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની મદદથી વીજ ઉત્પાદનનું સચોટ ફોરકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ગ્રીન પ્રોડક્ટ્સ પર રિબેટ અને વૈશ્વિક બજારનો નવો પડકાર

વિશ્વ સ્તરે આવી રહેલા બદલાવો અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, હાલમાં યુરોપ અને બાકીના દેશોમાં ગ્રીન પ્રોડક્ટ્સની ભારે માગ છે. આગામી સમયમાં દુનિયા બિન-પરંપરાગત ઊર્જાથી ન બનેલી વસ્તુઓ પર ટેક્સ લાદવા જઈ રહી છે, ત્યારે ગુજરાતે એડવાન્સમાં જ ગ્રીન પ્રોડક્ટ માટે સ્પષ્ટ નીતિ બનાવી લીધી છે, અને સરકાર આવી પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં ઉદ્યોગોને રિબેટ આપશે. ઉદ્યોગોએ પણ હવે ઇલેક્ટ્રિફિકેશન તરફ બદલાવ લાવવાની શરૂઆત કરી દીધી છે.

ગુજરાત મોડેલ: નાના ઉદ્યોગો અને ખેડૂતોને સોલારથી મોટો આર્થિક ફાયદો

ગુજરાત આજે વીજળી ક્ષેત્રે સમગ્ર દેશમાં એક રોલ મોડેલ છે. રહેણાંક વિસ્તારોમાં 3 કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. મોટા ઉદ્યોગો પોતાના સોલાર પાર્ક ઊભા કરી રહ્યા છે, જ્યારે નાના ઉદ્યોગો માટે 'ક્લસ્ટર આધારિત મોડેલ' તૈયાર કરાયું છે. આ સોલાર ક્રાંતિથી નાના ઉદ્યોગોના વીજ બિલમાં મોટો ઘટાડો થશે અને તેમને સીધો ફાયદો મળશે. રાજ્ય સરકારે ઔદ્યોગિક ક્લસ્ટરોમાં મજબૂત ઊર્જા માળખું ઊભું કર્યું છે, જેના કારણે જ દેશ-વિદેશના ઉદ્યોગપતિઓનો ભરોસો ગુજરાત પર અકબંધ છે.

ગૌરવવંતી ઉપસ્થિતિ અને સહયોગીઓ

આ કાર્યક્રમને સફળ બનાવવામાં GPCLના ઉચ્ચ અધિકારીઓ, પાવર ટ્રેક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર દિવ્યરાજસિંહ ઝાલા, GRE Renew Enertechના MD કમલેશ પટેલ, તેમજ પેટલાદ સોજીત્રા સૌરઉર્જા ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના ફાઉન્ડર અને ચેરમેન તેજસ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય સંવાદ કોન્ક્લેવને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની અગ્રણી સંસ્થાઓના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી.


આ પણ વાંચો - વાંચો 27 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે