કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે તાજેતરમાં GST ના સુધારાઓ અને તેની સફળતા અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, 2017 પહેલા દેશમાં જુદી જુદી કર વ્યવસ્થાઓ હતી, જેમાં જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા ટેક્સ લાગુ પડતા હતા. પરંતુ, GST લાગુ થયા બાદ આ તમામ ટેક્સ નાબૂદ થયા છે અને સમગ્ર દેશમાં એક સરખો કર લાગુ થયો છે. આ નિર્ણયથી ઉદ્યોગો વધુ સ્પર્ધાત્મક બન્યા છે અને તેનાથી ભારતીય અર્થતંત્ર પર લોકોનો વિશ્વાસ વધ્યો છે. તેમણે કહ્યું કે, કર વસૂલાતમાં થયેલો વધારો પણ આ જ વિશ્વાસનું પ્રતીક છે. આ સિવાય, PM નરેન્દ્ર મોદીએ જરૂર પડ્યે મક્કમતાપૂર્વક પગલાં લીધા છે.
લોકો અને ઉદ્યોગોને મળેલા ફાયદા
પાટીલના જણાવ્યા મુજબ, GST થી માત્ર ઉદ્યોગોને જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોને પણ સીધો ફાયદો થયો છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે, ટેક્સટાઈલ પરનો કર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અનાજ, દવાઓ, દૂધ અને દહીં જેવી અત્યંત જરૂરી ચીજવસ્તુઓ પરનો કર કાં તો ઘટાડી દેવામાં આવ્યો છે અથવા તો શૂન્ય કરી દેવામાં આવ્યો છે. વીમા પરથી પણ ટેક્સ ઘટાડવામાં આવતા લોકોને મોટી રાહત મળી છે. આ પગલાંથી સ્થાનિક ઉત્પાદન અને નિકાસમાં વધારો થવાની સંભાવના છે અને વેપારીઓને ગુણવત્તા સાથે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળશે.













