છોટાઉદેપુર જિલ્લાની વસેડી ગ્રામ પંચાયતના લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના અગ્રણી નેતાઓની ખાસ ઉપસ્થિતિ વચ્ચે રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા દ્વારા આપવામાં આવેલા એક આક્રમક નિવેદનને કારણે રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.આગામી 2027ની વિધાનસભા ચૂંટણીના એંધાણ વચ્ચે સાંસદે જાહેર મંચ પરથી વિરોધી નેતાઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.વિરોધીઓને આડેહાથ લેતા મુકેશ રાઠવાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે,તમને ઘરભેગા કરવાની વાત તો દૂર રહી પરંતુ અમે તમને તમારા ઘરમાંથી પણ બહાર નહીં નીકળવા દઈએ.

તુમકો ક્યા લગતા હૈ, યે નેપાળ કી સરકાર હૈ?

સાંસદે ઉમેર્યું હતું કે, વિરોધીઓ હવે કોકરોચની જેમ બહાર આવીને વિકાસની વાતો કરી રહ્યા છે અને દિલ્હીથી માંડીને આપણા સ્થાનિક વિસ્તાર સુધી આંદોલનો કરવા નીકળી પડ્યા છે.વિરોધીઓની આ પ્રકારની રાજકીય હિલચાલ સામે લાલ આંખ કરીને તેમણે ફિલ્મી અંદાજમાં લલકાર કરતા જાહેર મંચ પરથી કહ્યું હતું કે, તુમકો ક્યા લગતા હૈ, યે નેપાળ કી સરકાર હૈ? બાંગ્લાદેશ કી સરકાર હૈ? તુમકો ક્યા લગતા થા યે શ્રીલંકા કી સરકાર હૈ? યે મોદી કી સરકાર હૈ આતંકી ઔર દેશદ્રોહી કો ઘર મેં ઘૂસ કે મારેંગે.

સાંસદના આકરા તેવરથી રાજકીય ચર્ચાઓ જાગી

કાર્યક્રમ દરમિયાન વિરોધીઓની ટીકાઓનો જવાબ આપતા મુકેશ રાઠવાએ પડકાર ફેંક્યો હતો કે,અમારા પક્ષના સરપંચોના મોઢા જોઈ લેજો અને તેમના દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યો જોઈ લેજો,કારણ કે જનતા ભાજપની સાથે જ છે.ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યસભાના સાંસદના આ પ્રકારે આક્રમક તેવર અને પાખંડી રાજકારણ સામેના આકરા પ્રહારોથી છોટાઉદેપુરના પંથકમાં રાજકીય સમીકરણો તેજ બન્યા છે અને વિરોધ પક્ષો સામે શાબ્દિક યુદ્ધ છેડાયું છે.સાંસદના આ તેવરવાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચોઃ Gujarat Local body Election Results 2026: થરા અને ઓખામાં ભાજપને સત્તા, કોંગ્રેસ અને APPના સૂપડા સાફ