ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા અને સમગ્ર દેશમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માગ સાથે સંતો, મહંતો અને ગૌભક્તો દ્વારા મહાઅભિયાન યોજવામાં આવ્યું હતું. 27 નવેમ્બરે ગુજરાતમાં યોજાયેલા અભિયાન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સંતોએ પોતાની માગણીઓ રજૂ કરી હતી. આ પ્રસંગે 1 કરોડ 11 લાખથી વધુ લોકોના હસ્તાક્ષર ધરાવતું સ્મરણપત્ર અને પ્રાર્થના પત્ર મુખ્યમંત્રીને સોંપવામાં આવ્યું હતું.

આ ભીડ બસ મોકલીને એકઠી કરવી પડી નથી'

મુખ્યમંત્રી સમક્ષ સંબોધન કરતાં એક સંતે કહ્યું હતું કે, સામાન્ય રીતે ભીડ એકઠી કરવા માટે બસો મોકલવી પડે છે, પરંતુ અહીં આવેલા લોકો પોતાની ઇચ્છાથી ગૌમાતાની રક્ષાની ભાવના સાથે પહોંચ્યા છે. તેમણે સમગ્ર ભારતમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.

ગૌમાતાને રાજમાતા તથા રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની પણ માગ

સંતે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં ગૌહત્યા પર પ્રતિબંધ હોવા છતાં તેની યોગ્ય ચકાસણી થવી જોઈએ. ગૌપાલન મંત્રાલય બનાવવાની અને ગૌમાતાને રાજમાતા તથા રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની પણ માગ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીને આ માગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી બોલ્યા: સનાતન ધર્મમાં ગૌમાતાનું વિશેષ સ્થાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સનાતન ધર્મમાં ગૌ, ગંગા અને ગાયત્રીની પરંપરા છે. શાસ્ત્રોમાં ગાયને કામધેનુનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. ગૌસેવાના સંસ્કારથી માનવજીવનમાં કરુણાની ભાવના વિકસે છે. તેમણે કહ્યું હતું કે ગૌમાતાનું સન્માન નવી પેઢી સુધી પહોંચાડવાનું કાર્ય થવું જોઈએ. વડાપ્રધાનની વિચારધારા માનવકલ્યાણની સાથે ગૌમાતાના સન્માનની પણ રહી છે અને ગુજરાત સરકાર આ જ વિચારને અનુસરીને કાર્ય કરી રહી છે.

ગૌસેવા મંત્રાલય અને કેન્દ્રીય કાયદાની માગ

અભિયાનમાં ગૌસેવા માટે અલગ કેન્દ્રીય કાયદો બનાવવાની, ગૌસેવા મંત્રાલયની રચના કરવાની અને દેશભરમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ કરવાની માગ કરવામાં આવી હતી. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ સહિત અનેક સંતો-મહંતોનું વિશેષ સાનિધ્ય પણ આ અભિયાનમાં રહ્યું હતું.

ગૌસેવકોના કાર્યની પ્રશંસા

મુખ્યમંત્રીએ ગૌસેવકોના કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ગૌમાતાના સન્માન અને પોષણ માટે મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના અમલમાં મૂકી છે અને સંતોની ગૌસેવા સંબંધિત યોજનાઓ સાથે સરકાર ઊભી રહેશે. 


આ પણ વાંચો :     Vadodara એરફોર્સ સ્ટેશન પર હુમલાનો ટાસ્ક મળ્યો હતો? આસામથી વડોદરા સુધી ATSની તપાસ