ગુજરાતમાં વ્યાજખોરી સામે પોલીસની કડક એક્શન હોવા છતાં રોજબરોજ પઠાણી ઉઘરાણી અને તગડું વ્યાજ વસૂલવા અંગેની ફરિયાદો સામે આવી રહી છે. બેફામ બનેલા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં તેમની પર કાયદાનો ડર હોય તેવી કોઈ અસર જોવા મળતી નથી.અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણી વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે.ફરિયાદીએ પોતાની જરૂરિયાત માટે રૂપિયા 12 લાખ વ્યાજે લીધા હતા જેના બદલામાં તેમણે તબક્કાવાર કુલ રૂપિયા 25 લાખ જેવી જંગી રકમ ચૂકવી દીધી હોવા છતાં વ્યાજખોરોનું પેટ ભરાયું ન હતું.
ફરિયાદીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આટલી મોટી રકમ વસૂલ કર્યા પછી પણ આરોપી વિક્રમ દેસાઈ અને જયેશ દેસાઈ દ્વારા ફરિયાદી પાસે 10 ટકા લેખે માસિક વ્યાજ અને મૂળ મૂડી પરત આપવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું.એટલું જ નહીં, આરોપીઓએ સુરક્ષાના નામે ફરિયાદી પાસેથી અગાઉથી જ મેળવી લીધેલા 4 કોરા ચેકનો ગેરઉપયોગ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.આ પઠાણી ઉઘરાણી અને ત્રાસથી કંટાળીને આખરે ફરિયાદીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં વિક્રમ દેસાઈ અને જયેશ દેસાઈ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.રાણીપ પોલીસે આ મામલે ગુનો નોંધીને બંને આરોપીઓ સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
