અમદાવાદમાં 7 જુલાઈ, 2009ના રોજ થયેલા ગોઝારા લઠ્ઠાકાંડે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. દેશી દારૂમાં મિથેનોલ નામના અત્યંત ઝેરી કેમિકલની ભેળસેળના કારણે કુલ 148 લોકોના મોત થયા હતા, જ્યારે 238 લોકોને ગંભીર અસર પહોંચી હતી. ઘટનાના વર્ષો બાદ હવે તપાસ પંચ દ્વારા કરવામાં આવેલી મહત્વપૂર્ણ ભલામણોનો સંપૂર્ણ અમલ થયો છે કે નહીં, તે મુદ્દે ફરી સવાલો ઊભા થયા છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં થઇ હતી અસર

આ લઠ્ઠાકાંડની અસર અમદાવાદના શહેર કોટડા, કાગડાપીઠ, ઓઢવ, બાપુનગર, અમરાઈવાડી અને ગોમતીપુર સહિતના પૂર્વ વિસ્તારોમાં જોવા મળી હતી. શરૂઆતના કલાકોમાં શારદાબેન હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની સારવાર માટેની મેડિકલ વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઊભા થયા હતા.

મહેતા પંચે આ મુખ્ય ભલામણો કરી હતી

ઘટનાની તપાસ માટે રચાયેલા ન્યાયમૂર્તિ કે.એમ. મહેતા પંચે મૃતકોના પરિવારજનોને ન્યાય અને રાહત આપવા ઉપરાંત સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં જરૂરી તબીબી સુવિધાઓ વધારવા અને ઇમરજન્સી સ્થિતિમાં એન્ટીડોટ ઉપલબ્ધ રાખવા જેવી મહત્વપૂર્ણ ભલામણો કરી હતી.

જો કે ભલામણોનો અમલ થયો કે કેમ તે સવાલ

આ ઉપરાંત શ્રમિક વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવો, મહિલાઓ માટે રોજગારીની તકો ઊભી કરવી અને દારૂના દુષ્પરિણામો અંગે વ્યાપક સામાજિક જાગૃતિ લાવવાના સૂચનો પણ આપવામાં આવ્યા હતા. પરંતુ ઘટનાને 17 વર્ષ વીતી ગયા બાદ પણ આ તમામ ભલામણોનો સંપૂર્ણ અને અસરકારક અમલ થયો છે કે નહીં, તે મોટો સવાલ બની રહ્યો છે.

પંચની કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ 

તપાસ અને પંચની કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયા બાદ પણ જો મહત્વપૂર્ણ સુધારાઓ અધૂરા રહ્યા હોય તો સમગ્ર પ્રક્રિયાની અસરકારકતા સામે પ્રશ્નો ઊભા થાય છે. ખાસ કરીને ઝેરી દારૂની ઘટનાઓને રોકવા, સમયસર સારવાર અને સામાજિક સ્તરે જાગૃતિ માટે સૂચવાયેલા પગલાં કેટલા અમલમાં આવ્યા, તેની સમીક્ષા જરૂરી બની છે.

ભલામણો કાગળમાંથી બહાર આવી સંપૂર્ણપણે અમલમાં ક્યારે આવશે?

148 લોકોના જીવ ગયા બાદ થયેલી તપાસનો મૂળ હેતુ માત્ર જવાબદારો સુધી પહોંચવાનો નહીં, પરંતુ ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરી ન બને તે માટે વ્યવસ્થામાં કાયમી સુધારા કરવાનો પણ હતો. હવે વર્ષો બાદ ફરી એ જ સવાલ ઊભો થયો છે કે પંચની ભલામણો કાગળમાંથી બહાર આવી સંપૂર્ણપણે અમલમાં ક્યારે આવશે?  


આ પણ વાંચો  :   Bhavnagar લઠ્ઠાકાંડની તપાસમાં સનસનાટીભર્યા ખુલાસા, આરોપીઓએ 3 વખત ઝેરી દારુ બનાવ્યો પણ.....