અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સરખેજ પંથકમાં ૨૧ વર્ષની એક યુવતી સાથે પ્રેમ અને લગ્નના નામે શારીરિક શોષણ થવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. ભાઈ સાથે ઘરે આવતા-જતા યુવકે જ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી યુવતીનું જીવન બરબાદ કરવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવીને સરખેજ પોલીસ સ્ટેશનમાં નરાધમ પ્રેમી વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.
ઘરે આવતા-જતા પ્રેમજાળમાં ફસાવી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સરખેજ વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીનો પરિચય તેના સગા ભાઈના માધ્યમથી એક યુવક સાથે થયો હતો. આ યુવક ભાઈનો મિત્ર હોવાના નાતે અવારનવાર ઘરે આવતો હતો. આ દરમિયાન યુવકે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. યુવકે યુવતી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ત્યારબાદ લગ્ન કરવાની પાકી લાલચ આપીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.
ગર્ભવતી બનતા જ અસલી ચહેરો સામે આવ્યો
આ શારીરિક શોષણ દરમિયાન યુવતી ગર્ભવતી બની ગઈ હતી. યુવતીએ જ્યારે આ અંગે પોતાના પ્રેમીને જાણ કરી અને તાત્કાલિક લગ્ન કરી લેવા દબાણ કર્યું, ત્યારે યુવકે પોતાના અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. તપાસમાં ખુલાસો થયો કે યુવક અગાઉથી જ પરિણીત છે અને એટલું જ નહીં, તેને એક બાળક પણ છે. આ સત્ય સામે આવતા જ યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પ્રેમીએ લગ્ન કરવાની સાફ ના પાડી દીધી
જ્યારે યુવતીએ લગ્ન માટે આગ્રહ રાખ્યો ત્યારે આરોપી પ્રેમીએ લગ્ન કરવાની સાફ ના પાડી દીધી હતી અને આ પાપ છુપાવવા માટે યુવતી પર ગર્ભપાત (Abortion) કરાવી લેવા માટે માનસિક દબાણ લાવવાનું શરૂ કર્યું હતું. આખરે આ મામલે ભાંડો ફૂટતાં યુવતીએ પોતાના પરિવારને આપવીતી જણાવી હતી. પરિવારે તાત્કાલિક સરખેજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે યુવતીની ફરિયાદના આધારે દુષ્કર્મ, છેતરપિંડી અને ધમકી આપવા બદલ ગુનો નોંધીને આરોપીને જેલભેગો કરવા માટે કાયદાકીય તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: Ahmedabad: કચ્છમાંથી ઝડપાયેલા 119 કિલો કોકેઇન કેસમાં NIAની એન્ટ્રી, આંતરરાષ્ટ્રીય બુટલેગરોના લોકેશન ટ્રેક કરાયા