ગુજરાતનો દરિયાકાંઠો ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓના નિશાને આવ્યો છે, પરંતુ ગુજરાત ATSની સજાગતાના કારણે રૂપિયા 1190 કરોડનું કોકેઇન નેટવર્ક દેશમાં પ્રવેશે તે પહેલા જ ધ્વસ્ત કરી દેવાયું છે. કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી અથવા છુપાવીને રાખવામાં આવેલો 119 કિલો શુદ્ધ કોકેઇનનો જથ્થો ઝડપાયા બાદ હવે આ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની એન્ટ્રી થઈ છે. આ ડ્રગ્સ આંતરરાષ્ટ્રીય સરહદો અને દરિયાઈ માર્ગો વટાવીને ભારત લાવવામાં આવ્યું હોવાથી કેન્દ્રીય એજન્સીઓએ તેને દેશની સુરક્ષા સાથે જોડીને તપાસ શરૂ કરી છે.

એપ્લિકેશન કોલથી મળતું હતું સિક્રેટ લોકેશન

ATS અને NIAની સંયુક્ત પૂછપરછ અને ડિજિટલ ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે, આ આખું નેટવર્ક અત્યંત આધુનિક ટેકનોલોજીથી ઓપરેટ થતું હતું. ડ્રગ્સનો જથ્થો ભારતીય જળસીમામાં કે કચ્છના કિનારે પહોંચ્યા બાદ, તેના ચોક્કસ લોકેશનની જાણકારી કોઈ સામાન્ય ફોન કોલ પર નહીં, પરંતુ ટ્રેક ન થઈ શકે તેવી એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન કોલ દ્વારા શેર થવાની હતી. સ્થાનિક રિસીવરોને માત્ર ઇન્ટરનેટ કોલિંગ દ્વારા જ કઈ જગ્યાએથી માલ ઉપાડવો તેની માહિતી મળતી હતી, જેથી મુખ્ય સપ્લાયરો ક્યારેય પકડાય નહીં.

બે આફ્રિકન ડ્રગ લોર્ડ્સ રડારમાં

આ ગુનાના મૂળ છેક આફ્રિકા સુધી વિસ્તરેલા છે. તપાસ એજન્સીઓને બે આફ્રિકન ડ્રગ સપ્લાયરોના ચોક્કસ ક્લૂ મળ્યા છે, જેઓ આ કરોડોના ડ્રગ્સની હેરાફેરી પાછળ મુખ્ય માસ્ટરમાઇન્ડ હોવાની આશંકા છે. આ આફ્રિકન સપ્લાયરો ભારતમાં કયા-કયા લોકલ એજન્ટો, પેડલરો અને આંતરરાજ્ય બુટલેગરોના સંપર્કમાં હતા તેની કોલ ડિટેઇલ અને આઇપી એડ્રેસ (IP Address) ટ્રેક કરવામાં આવી રહ્યા છે. ૧૧૯ કિલો કોકેઇનનો આ મસમોટો જથ્થો ગુજરાતથી કયા રાજ્યોમાં (ખાસ કરીને મુંબઈ, દિલ્હી કે ગોવા જેવા મેટ્રો શહેરોમાં) સપ્લાય થવાનો હતો, તે દિશામાં પણ તપાસ તેજ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:Mehsana: "નીતિન પટેલને પતાવી દીધા" હોવાનો દાવો કરતી કથિત ઓડિયો ક્લિપ બાદ ચંદ્રકાંત પટેલ પક્ષના નિશાના પર