અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે સીધો ખેલ કરતા એક અત્યંત ચોંકાવનારા અને કાળજું ધ્રુજાવી દેનારા આંતરરાજ્ય નકલી બ્લડ પ્લાઝ્મા રેકેટનો પર્દાફાશ કર્યો છે.કેન્સર જેવા ગંભીર રોગની દવા બનાવવા માટે વપરાતા કિંમતી બ્લડ પ્લાઝ્માની ચોરી કરી તેના બદલે નકલી પ્લાઝ્મા સપ્લાય કરવાનું ઘૃણાસ્પદ પાપ આચરવામાં આવતું હતું.પોલીસે આ કેસમાં કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત 4 સાગરીતોની ધરપકડ કરી છે. આ કેસમાં આરોપી દિનેશના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 

મહારાષ્ટ્રની એજન્સીઓ તપાસમાં જોડાઈ

આ અંગે અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે કહ્યું હતું કે, ડુપ્લીકેટ પ્લાઝમા રેકેટ મામલે તપાસ તેજ કરી દેવાઈ છે. આ કેસના આરોપી દિનેશના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ કેસની તપાસમાં મહારાષ્ટ્રની એજન્સીઓ પણ જોડાઈ છે. આ ઉપરાંત રાજ્યનો આરોગ્ય વિભાગ પણ તપાસમાં જોડાયો છે. આરોપીઓ બ્લડ પ્લાઝમાના સેમ્પલ મહારાષ્ટ્રમાં વેચાણ કરતા હતાં. મહારાષ્ટ્રની બે બ્લડ બેંક પણ આ રેકેટમાં સંડોવાયેલી હોવાની વિગતો મળી છે.  

બ્લડ બેંકમાં એસઓપી પ્રમાણે કામકાજ થાય છે

એસપી ઓમપ્રકાશ જાટે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં પણ બ્લડ બેંક આ કૌભાંડમાં સંડોવાયેલી છે કે નહીં તે મુદ્દાના આધારે આરોપીને રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. રાજ્યમાં 700 જેટલી બ્લડ બેંક આવેલી છે. આવી બ્લડ બેંકમાં એસઓપી પ્રમાણે કામકાજ થાય છે. રાજ્યના પોલીસ વડાને રાજ્યની બ્લડ બેંકનો સંપૂર્ણ રિપોર્ટ ટૂંક સમયમાં સોંપવામાં આવશે. મોહન નામથી એક બ્લડ બેંક રજિસ્ટર્ડ છે એ અલગ અલગ હોસ્પિટલમાં પ્લાઝમા સપ્લાય કરતો હતો. ગજાનંદ બ્લડ બેંક મોહનના નામે રજિસ્ટર્ડ થયેલી છે. આ ઉપરાંત અન્ય એક વાસીમ બ્લડ બેંકમાં પણ ડુપ્લીકેટ પ્લાઝમા સપ્લાય કરવામાં આવતા હતાં.  

આ પણ વાંચોઃ Ahmedabad : મોતનો વેપાર, બ્લડ બેંકો સાથે દગો કરી ‘બ્લડ પ્લાઝ્મા’ બારોબાર વેચતી ગેંગ પકડાઈ, 11 લાખનો જથ્થો જપ્ત