સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે અમદાવાદના દરિયાપુરના વિવાદાસ્પદ મનપસંદ જિમખાનામાં રેડ કરી જુગાર રમતા 187 લોકોની ધરપકડ કરી છે. આ ક્લબનો સંચાલક કુખ્યાત ગોવિંદ ઉર્ફે ગામા હોવાની વિગતો ખૂલી છે.સ્ટેટ મોનિટરિંગ સેલે રવિવારે બપોરથી ક્લબમાં રેડની કાર્યવાહી શરૂ કરી તેના 24 કલાક બાદ પણ મુદ્દામાલની ગણતરી તેમજ આરોપીઓના નિવેદન લેવાની કામગીરીમાં 30 કલાકથી પણ વધુનો સમય વીતી ગયો હતો.મોનિટરિંગ સેલની રેડને પગલે દરિયાપુર પોલીસના નાક નીચે ધમધમતી ક્લબનો પર્દાફાશ થતાં દરિયાપુર PI સહિતના પોલીસ અધિકારીઓ પર કાર્યવાહીની તલવાર લટકી રહી છે.આ રેડમાં પોલીસે 187 લોકોની ધરપકડ, 29 વાહનો, 176 મોબાઈલ ફોન અને રૂ.3.30 લાખની અંદાજીત રોકડ રકમ જપ્ત કરી હતી. 

ક્લબમાંથી 187 જુગારી ઝડપાયા હતા

મનપસંદ જિમખાના ક્લબમાં ધમધમતા જુગારધામમાં મોટા પ્રમાણમાં આરોપી પકડાયા હોવાનું જણાતા SMCના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર મોડી રાત્રે પહોંચ્યા હતા.રેડની કાર્યવાહી દરમિયાન ક્લબમાંથી 187 જુગારી ઝડપાયા છે.પ્રાથમિક વિગતોના આધારે 40લોકો ક્લબમાં જુગાર રમવા આવતા લોકોને સર્વિસ પૂરી પાડવા રાખ્યા હતા. મનપસંદ જિમખાનાનો સંચાલક ગોવિંદ ઉર્ફે ગામા પટેલ હોવાની વિગતો મળી હતી.અગાઉ પણ ગોવિંદ પટેલની મોનિટરિંગ સેલે રેડ કરી ધરપકડ કરી તેમજ પાસા હેઠળ કાર્યવાહી કરી હતી.જેલમાંથી છૂટીને ગોવિંદ પટેલ દ્વારા સતત આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ રખાતી હોવાનો ખુલાસો થયો છે.બીજી તરફ આરોપીઓને આજે ઘી કાંટા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. પોલીસે આરોપીઓના રિમાન્ડની માગ કરી હતી. 

07 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી

સરકારી વકીલ તૃપ્તિ વ્યાસ દ્વારા 09 મુખ્ય આરોપીઓના 07 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.સરકારી વકીલે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી ગોવિંદ વર્ષોથી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે અને આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાઈ ચૂકી છે.આ જુગારના અડ્ડાના નાણાકીય હિસાબો,આંગડિયા પેઢી દ્વારા થયેલા વ્યવહારો અને UPI ટ્રાન્ઝેક્શનની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે.આ ઉપરાંત કોડવર્ડવાળી ચિઠ્ઠીઓ ઉકેલવા,FSL મારફતે સહીઓની તપાસ કરાવવા,આરોપીઓના ક્રેડિટ કાર્ડ,બેંક ખાતાઓ,કોલ ડેટા રેકોર્ડ તથા ગેરકાયદે નાણાંનો અન્ય કોઈ અસામાજિક કામોમાં ઉપયોગ થયો છે કે કેમ તે તમામ બાબતોનું સત્ય બહાર લાવવા રિમાન્ડ અનિવાર્ય છે.

178 આરોપીઓના જામીન મંજૂર કર્યા

કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ કેસમાં પકડાયેલા કુલ 178 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા.જ્યારે ગેરકાયદે નેટવર્કના મુખ્ય સૂત્રધારો ગણાતા 09 આરોપીઓના 04 દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો હુકમ કર્યો છે. જે 09 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરાયા છે તેમાં ગોવિંદ પટેલ, સત્તાર વોરા, હુસેન સિપાઈ, લક્ષ્મણ પરમાર, દિનેશ ભાવસાર, કિશોર પઢિયાર, નારણ રાવલ, સલીમ મસુરી અને આનંદ ઠાકોરનો સમાવેશ થાય છે.પોલીસ હવે આ 04 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓની કડક પૂછપરછ કરીને કેસમાં નાસી છૂટેલા અન્ય સહ-આરોપીઓની ભાળ મેળવવા અને સમગ્ર કાળા કારોબારના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ ચલાવશે.

આ પણ વાંચોઃ Surat: ગોડાદરા વિસ્તારમાં રોડના ખાડામાં પટકાતાં યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત, ખાડાથી નગરજનોમાં ભારે આક્રોશ