અમદાવાદની ભદ્ર કોર્ટમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ક્લાર્ક અશોકભાઈ માધવલાલ પટેલને લાંચ લેતા એસીબી દ્વારા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી અશોકભાઈ સીટી સેશન્સ કોર્ટના અપીલ વિભાગમાં ફરજ બજાવે છે. તેમણે એક ફરિયાદી પાસે તેમના કેસમાં તરફેણમાં ચુકાદો અપાવવાના બદલામાં ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરી હતી, જે બાદ આ સમગ્ર મામલે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું.

કોર્ટ પરિસરમાં ભારે ચકચાર મચી જવા પામી

લાંચનો સ્વીકાર કરતા જ અશોકભાઈ માધવલાલ પટેલને એસીબીની ટીમે પકડી પાડતા કોર્ટ પરિસરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સરકારી કર્મચારી હોવા છતાં પોતાની સત્તાનો દુરુપયોગ કરી લાંચ માંગનારા આ ક્લાર્ક સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઘટનાએ ન્યાયતંત્ર સાથે સંકળાયેલા વહીવટી વિભાગોમાં પણ ભ્રષ્ટાચારને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે.

દિવાલ તોડવા માટેનો ચુકાદો અપાવવા લાંચ માગી

ફરીયાદીએ તેમના પડોશીએ ગેરકાયદેસર રીતે દબાણ કરી ઉભી કરેલી દિવાલ તોડવા ફરિયાદીએ નોટીસ આપતા ફરીયાદીના પડોશીએ દિવાલ નહીં તોડવા સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે ફરીયાદી વિરૂધ્ધમાં દાવો દાખલ કર્યો હતો. જેથી ફરીયાદીના ઘરે કોર્ટ કમિશનની નોટીસ આવી અને કોર્ટ કમિશનર તરીકે આ કામના આરોપી અશોકભાઈ એમ પટેલે ફરીયાદીની તરફેણમાં ચુકાદો અપાવવા 10 હજાર રૂપિયાની માગણી કરી હતી. લાંચના નાણા ફરીયાદી આપવા માગતા ન હોવાથી તેમણે અમદાવાદ શહેર એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકું ગોઠવીને આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. 


આ પણ વાંચોઃ Gujarat Weather : રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી, 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર