ACB ગુજરાતમાં અધિક નિયામક તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ લક્ષ્મણસિંહ માલે એક બિલ્ડર દંપતી સામે રૂ.70.25 લાખની ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદ મુજબ આરોપી અમિત નટવરલાલ જાની અને તેની પત્ની જીજ્ઞાશાબેન અમિતભાઈ જાનીએ વર્ષ 2014થી ફરિયાદી સાથે મિત્રતા અને પારિવારિક સંબંધો કેળવીને વિશ્વાસ સંપાદન કર્યો હતો.ત્યારબાદ ગોદરેજ ગાર્ડન સિટી સ્થિત બેલ્વેડરનો ફ્લેટ વેચાણ દસ્તાવેજથી અપાવવાના બહાને 2014થી 2019 દરમિયાન 61.15 લાખ એડવાન્સ મેળવી લીધા હતા.સંપૂર્ણ રકમ વસૂલી લીધા હોવા છતાં આજદિન સુધી ફ્લેટનો વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો ન હતો.
70.25 લાખની મસમોટી ઠગાઈ આચરી
આરોપી બિલ્ડર દંપતીએ વર્ષ 2020થી 2024 દરમિયાન ગ્રીનવુડ સ્કીમના બે પ્લોટ બતાવીને ફરિયાદી પાસેથી વધુ રૂ.9.10 લાખ પણ પડાવી લીધા હતા.સમય જતાં પ્લોટ પણ ન આપતાં અને લીધેલી રકમ પણ પરત ન કરતાં ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.ફરિયાદીએ પોતાની લાલ ડાયરીમાં કોડવર્ડમાં કરાયેલી ચુકવણીની નોંધ સહિતના દસ્તાવેજી પુરાવાઓનો પણ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.દંપતીએ યોજનાપૂર્વક ફરિયાદી સાથે કુલ રૂ. 70.25 લાખની મસમોટી ઠગાઈ આચરી હતી.
