અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર અમીતકુમાર ડોંગરે અને ચીફ ફાયર ઓફિસર ભાવસિંહ પ્રતાપ ઝાલા લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા છે. ઉચ્ચ હોદ્દા પર બેઠેલા બંને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતાં એડમિનિસ્ટ્રેશન અને પોલીસ વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
6 બિલ્ડિંગની ફાયર NOC માટે માંગી હતી લાંચ
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, શહેરમાં 6 જેટલી બિલ્ડિંગોની ફાયર NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મંજૂર કરવાની કામગીરીના બદલામાં આ લાંચ માંગવામાં આવી હતી. આરોપી અધિકારીઓએ પ્રત્યેક NOC દીઠ રૂ. 6 હજાર લેખે લાંચની રકમ નક્કી કરી હતી. બંને આરોપીઓએ સાથે મળીને આ નાણાંની માંગણી કરી હતી અને ગેરકાયદે આર્થિક ફાયદો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
