અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી આરોપીનો વીડિયો વાયરલ થવાના મામલે પોલીસે ખુલાસો કર્યો છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ પોલીસની નજર ચૂકવીને એક માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિના મોબાઈલનો ઉપયોગ કરી વીડિયો બનાવ્યો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સમગ્ર મામલે આરોપી સામે વધુ એક ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

મોબાઈલમાં મોકલી મૂળ વીડિયો ડિલીટ કરી દીધો

પોલીસના જણાવ્યા મુજબ 7 જુલાઈ 2026ના રોજ મારામારીની ઘટનામાં મળેલા PCR કોલના આધારે શાહિદ અન્સારી નામના આરોપીને શહેરકોટડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.તે જ દિવસે એક માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ પણ પોલીસ સ્ટેશન આવ્યો હતો. આરોપીએ તેનો લાભ લઈને મોબાઈલ માંગ્યો, લોકઅપમાં વીડિયો બનાવ્યો અને તે વીડિયો પોતાના મોબાઈલમાં મોકલી મૂળ વીડિયો ડિલીટ કરી દીધો હતો. 

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો

બાદમાં ઘરે પહોંચીને તેણે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વીડિયોમાં આરોપી જે ગોળી લેતો જોવા મળે છે તે ઊંઘની ગોળી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આરોપી સામે ધાકધમકી આપવા અને અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવા બદલ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીએ પોલીસની નજર ચૂકવીને વીડિયો બનાવ્યો હતો. શાહિદ અન્સારી સામે અગાઉ ગોમતીપુર અને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: દેશના 15 રાજ્યોમાં 72 ટકા વરસાદની ઘટ, તો શું વરસાદ વગર જ ચોમાસુ પસાર થઈ જશે?