અમદાવાદ શહેર મહાનગરપાલિકા (AMC) માં એકા ક્લબના કરોડો રૂપિયાના બાકી પ્રોપર્ટી ટેક્સનો મુદ્દો હજુ ચર્ચામાં છે, ત્યાં જ વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પાલડી ભઠ્ઠા નજીક આવેલા 'આસ્થા ઉપવન પાર્ટી પ્લોટ' પર મનપાનો રૂ. 3.71 કરોડ જેટલો માતબર પ્રોપર્ટી ટેક્સ બાકી બોલે છે. તપાસમાં સામે આવ્યું છે કે આ પાર્ટી પ્લોટ વાસણા વોર્ડના પૂર્વ કોર્પોરેટર સ્નેહા બા પરમારના પરિજન ઘનશ્યામસિંહ પરમારની માલિકીનો છે.
2001 થી આકારણી, માલિકે કોર્ટમાંથી સ્ટે મેળવી માત્ર રૂ.12 લાખ ભર્યા
કેસની વિગતો મુજબ, વર્ષ 2012-13 માં મનપા દ્વારા ખાસ નોટિસ આપીને વર્ષ 2001 થી આ જમીનની પાર્ટી પ્લોટ તરીકે કર-આકારણી કરવામાં આવી હતી. જોકે, આ આકારણી સામે પાર્ટી પ્લોટના માલિક દ્વારા વર્ષ 2015 માં કોર્ટમાં વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટના વચગાળાના આદેશ મુજબ પાર્ટી પ્લોટ માલિકે અત્યાર સુધીમાં માત્ર રૂ. 12 લાખ જમા કરાવ્યા છે, જ્યારે બાકીની રકમ અંગે કોર્ટે મનપાને આકરી કાર્યવાહી કરવા પર મનાઈહુકમ (સ્ટે) આપ્યો છે.
